નવી દિલ્હી, તા. 9 : આસામ, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડીચેરીમાં
વિધાનસભા ચૂંટણી માટે મતદારોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો. પોંડિચેરીમાં સૌથી વધારે 89.33 ટકા લોકોએ મતદાન કર્યું હતું.
આ ઉપરાંત આસામમાં 85.38 ટકા અને કેરળમાં
75.01 ટકા મતદાન થયું હતું. આસામ
અને પોંડિચેરીમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન નોંધાયું છે. આસામમાં બે સ્થળે ચૂંટણી
સંબંધિત હિંસાના સંબંધમાં અધિકારીઓએ ગુરુવારે સાત લોકોની અટક કરી હતી. સવારે મતદાન
શરૂ થયા પછી ઘણા મતદાન મથકો પર હિંસક અથડામણો પણ થઈ હતી, જેમાં 30થી વધુ લોકોને ઇજાઓ થઈ હતી. ચૂંટણી અધિકારી
અનુસાર આસામમાં 126 સીટ ઉપર 722 ઉમેદવારના નસીબનો ફેંસલો કરવા
31,940 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં
હતાં તેમજ 35 જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન
માટે દોઢ લાખથી વધારે સુરક્ષા કર્મચારી તૈનાત થયા હતા. તે જ રીતે કેરળમાં પણ 140 સીટ ઉપર એક જ તબક્કામાં મતદાન
થયું હતું. જ્યાં 883 ઉમેદવાર મેદાનમાં
હતા. પોંડીચેરીમાં 294 ઉમેદવારના
ભાગ્યનો ફેંસલો ઇવીએમમાં કેદ થયો હતો. વિધાનસભા ચૂંટણી ઉપરાંત કર્ણાટકની બે બેઠક, નાગાલેન્ડની એક બેઠક, ત્રિપુરાની એક સીટ ઉપર પેટાચૂંટણી કરવામાં આવી હતી. ગોવામાં પણ એક બેઠક ઉપર
પેટા ચૂંટણી થવાની હતી, જો કે હાઇ કોર્ટે પેટાચૂંટણી ઉપર રોક
મૂકી હતી.પોંડિચેરીમાં મતદાન દરમિયાન મન્નાદીપેટના તિરુકાનૂર ગામમાં ભાજપ અને કોંગ્રેસના
કાર્યકરો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડયો
હતો. જો કે, આ ઘટનાથી મતદાન પ્રક્રિયા પર કોઈ અસર પડી ન હતી.
આસામ કોંગ્રેસે ઉદલગુડી બેઠકના ઉમેદવાર સુરેન ડેમરી સામે ફરિયાદ નોંધાવી છે. ડેમરીએ
પક્ષ વિરુદ્ધ નિવેદન આપી રાજીનામું આપતાં કોંગ્રેસે તેમની સામે એફઆઈઆરની માંગ કરી છે.
આસામના સોનિતપુર જિલ્લામાં એક મતદાન અધિકારી દેબેન હોરો (વર્ષ 45) મૃત હાલતમાં મળી આવ્યા હતા.
તેમની જગ્યાએ રિઝર્વ સ્ટાફ મુકીને મતદાન પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. આસામના કાબીં
આંગલોંગમાં મતદાન કેન્દ્રની અંદરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચૂંટણી પંચે
ગંભીર નોંધ લીધી છે અને જવાબદારો સામે એફઆઈઆર દાખલ કરી તપાસ શરૂ કરી છે.