• સોમવાર, 23 માર્ચ, 2026

સબકો સન્મતિ દે..

વોશિંગ્ટન/નવી દિલ્હી, તા. 22 : અમેરિકા-ઇઝરાયલના હુમલાના જવાબમાં ઇરાને હોર્મુઝ ખાડીનો જળમાર્ગ બંધ કરતાં વિશ્વભરમાં તેલ-ગેસના સંકટે ઊચાટ સર્જ્યો છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝનો માર્ગ ખોલવા ઇરાનને 48 કલાકનું આખરીનામું આપતાં કહ્યું કે, જો તેમ ન થયું તો તે ઇરાનના ઊર્જા માળખાંને સંપૂર્ણ નષ્ટ કરશે. બીજી તરફ, ઇરાને ભારપૂર્વક કહ્યું હતું કે, હોર્મુઝની ખાડી દુશ્મન દેશ સિવાયના રાષ્ટ્રો માટે ખૂલી જ છે. ઇરાને વળતી ધમકી પણ આપી હતી કે ઊર્જા માળખાંને નિશાન બનાવાશે તો તે પણ અમેરિકા-ઇઝરાયલનાં ઊર્જા માળખાં અને જળ શુદ્ધિકરણ સ્થળો પર હુમલા કરશે. ઇરાને એમ પણ કહ્યું કે, જો હુમલા બંધ ન થયા તો હોર્મુઝનો માર્ગ સદંતર બંધ કરી દેવાશે. અમેરિકી પ્રમુખે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, જો ઇરાન આવતા 48 કલાકની અંદર કોઇ ધમકી વિના હોર્મુઝનો માર્ગ સંપૂર્ણ ખોલશે નહીં તો અમેરિકા તેના અલગ અલગ ઊર્જા મથકો પર હુમલો કરીને તેને નષ્ટ કરશે જેની શરૂઆત સૌથી મોટા ઊર્જા મથકથી થશે. જો કે, ટ્રમ્પે કયો ઇરાની ઊર્જા પ્લાન્ટ નિશાન બની શકે તેની કોઇ સ્પષ્ટતા કરી ન હતી. દરમ્યાન બ્રિટને પણ મહત્ત્વના ઘટનાક્રમે ટોમહૂક મિસાઇલથી સજ્જ પરમાણુ સબમરિન એચએમએસ એન્સનને અરબી સમુદ્રમાં તૈનાત કરી ઇરાનને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાનો કડક સંદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ઇરાને ઇઝરાયલના ડિમોના અને અરાદ શહેરોમાં મોટો મિસાઇલ હુમલો કર્યો તેના કલાકોની અંદર ટ્રમ્પે આ ધમકી આપી છે. ડિમોના શહેરમાં ઇઝરાયલની મુખ્ય પરમાણુ સુવિધા છે. ઇરાને જણાવ્યું હતું કે, આ હુમલો તેના નતાંજ અણુમથક પર હુમલાનો જવાબ છે. દરમ્યાન, અમેરિકાની ધમકીના જવાબમાં ઇરાને કહ્યું કે, જો તેના ઊર્જામથકને નિશાન બનાવાશે તો તે મધ્ય-પૂર્વમાં અમેરિકા અને  ઇઝરાયલથી જોડાયેલાં તમામ ઊર્જા મથક પર હુમલા કરશે. હોર્મુઝના અખાત અંગે ઇરાને કહ્યું હતું કે, આ માર્ગથી માત્ર એ જહાજો જ પસાર થઇ શકશે જેનો સંબંધ તેના દુશ્મન દેશોથી નથી. સંયુક્ત રાષ્ટ્રની સમુદ્રી એજન્સીમાં ઇરાનના પ્રતિનિધિ અલી મૌસાવીએ કહ્યું કે `સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' સંપૂર્ણ રીતે બંધ છે જ નહીં. ત્યાંથી પસાર થવા માટે જહાજોને ઇરાન સાથે સુરક્ષા અને સમન્વય સાધવો પડશે. તેમણે એમ પણ કહ્યુંં કે, ઇરાન કૂટનીતિને પ્રાથમિકતા આપે છે પરંતુ તે માટે હુમલા બંધ થવા જોઇએ અને પરસ્પર ભરોસો સ્થાપિત થવો જોઇએ. 

Panchang

dd