મિનેસોટા, તા. 14 : અમેરિકાના મિનેસોટાના બે ડેમોક્રેટિક સાંસદને તેમનાં ઘરમાં ગોળી
મારવામાં આવતાં સનસનાટી મચી છે. પહેલી ઘટનામાં ડેમોક્રેટિક સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ મેલિસા
હોર્ટમેન અને તેના પતિ માર્કનાં મોત થયાં હતાં, જ્યારે બીજી ઘટનામાં ડેમોક્રેટિક સેનેટર જોન હાફમેન અને તેમના પત્ની યેવેટને
ગંભીર ઈજાઓ પહોંચી હતી. બન્નેની શત્રક્રિયા કરવામાં આવી હતી. આ જાણકારી મિનેસોટાના
ગવર્નર ટિમ વાલ્જે આપી હતી. તેમણે આ હુમલો રાજકીય રીતે પ્રેરિત હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું
હતું કે, પોલીસને મિનિયાપોલીસની નજીકના બે વિસ્તાર ચેમ્પલીન અને
બ્રુકલીન પાર્કમાં ગોળીબારની માહિતી મળી હતી. પોલીસે કહ્યું હતું કે, બન્ને સાંસદના ઘર એકબીજાથી આશરે 12 કિ.મી.નાં અંતરે આવેલા છે. સેનેટર હાફમેન અને તેમના પત્નીને
ચેમ્પલીનમાં ભારતી સમય મુજબ સવારે 11:30 કલાકે ગોળી મારવામાં આવી હતી. આ બન્નેની સાથે તેમની પુત્રી પણ
રહેતી હતી. જો કે, ઘટના સમયે
તે હાજર હતી કે નહીં તે અંગે જાણકારી આપવામાં આવી નથી. બીજી ઘટનામાં હોર્ટમેન અને તેના
પતિ માર્ક પર બ્રુકલીન પાર્ક વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. લોકોને તેમના ઘરમાં
જ રહેવાની સૂચના આપવામાં આવી હતી. કોઈ અજાણી વ્યક્તિ ઘરનો દરવાજો ખટખટાવે તો ગેટ ન
ખોલવા પોલીસે ચેતવણી આપી હતી. હુમલાખોર પોલીસના વેશમાં આવ્યો હોવાથી પણ લોકોને સતર્ક
રહેવા તાકીદ કરવામાં આવી હતી.