• રવિવાર, 15 જૂન, 2025

વરસાદના વર્તારા વચ્ચે કચ્છી માડુઓ ગરમી-ઉકળાટથી ત્રસ્ત

ભુજ, તા. 14 : પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે હવામાન વિભાગે રાજ્યની સાથે કચ્છમાં પણ વરસાદ વરસવાની આગાહી કરી છે. જો કે, વરસાદ વરસવાના વર્તારા વચ્ચે મહત્તમ પારો ઊંચકાતાં કચ્છી માડુઓ તાપ અને ઉકળાટથી આકુળવ્યાકુળ થયા હતા. દરમિયાન હવામાન વિભાગે વરસાદ વરસવાની આગાહી યથાવત્ રાખી 17 અને 18 તારીખે જિલ્લામાં કેટલાક સ્થળે ભારે વરસાદ માટેનું યલો એલર્ટ પણ જારી કર્યું છે. અંજાર-ગાંધીધામમાં મહત્તમ પારો ઊંચો ચડીને 40.6 ડિગ્રીએ પહોંચતાં તાપની આકરી આણ વર્તાઈ હતી. વળી ભેજની હાજરીનાં કારણે પરસેવે રેબઝેબ કરી મૂકતો બફારો અનુભવાયો હતો. જિલ્લા મથક ભુજમાં પણ પવનની ગતિ મંદ પડવા સાથે મહત્તમ તાપમાન બે ડિગ્રી ઊંચકાઈ 39.9 ડિગ્રીએ પહોંચતાં તાપ અને ઉકળાટ અનુભવાયા હતા. શહેરમાં સવારથી જ વીજ પુરવઠો બંધ હોતાં લોકો ગરમીનાં કારણે આકુળવ્યાકુળ થયા હતા. દરમિયાન હવામાન વિભાગે નૈઋઍત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશવા માટેના સંજોગો ઊજળા બન્યાનું જણાવી આ માસના અંત સુધીમાં ચોમાસું આખા રાજ્યને આવરી લેશે તેવી શક્યતા દેખાડી છે. હાલમાં સર્જાયેલ ટ્રફની અસર તળે કચ્છમાં પણ વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. ખાસ કરીને સોમથી ગુરુ દરમિયાન વરસાદનો વ્યાપ અને વિસ્તાર વધુ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તોફાની પવન અને ગાજવીજ સાથે આ વરસાદ વરસે તેવી શક્યતા હવામાન નિષ્ણાતોએ દેખાડી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd