ગાંધીધામ, તા. 14 : પૂર્વ
કચ્છના વિવિધ વિસ્તારમાં દેશી અને અંગ્રેજી દારૂ વેચાતો હોવાની ફરિયાદો વચ્ચે પૂર્વ
કચ્છ એલ.સી.બી. પોલીસે ભચાઉ તાલુકાના ઘરાણા ગામની સીમમાં ખેતરમાં છૂપાવેલ રૂા. 5.15 લાખનો અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. ઘરાણા
સીમમાં આવેલ આરોપી જુસબ સુલેમાન ગગડાના કબજાના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં
આવ્યો હોવાની પૂર્વ બાતમીને આધારે પોલીસે આ વિસ્તારમાં તપાસ આરંભી હતી. દરમ્યાન આ સ્થળેથી
ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 એમ.એલ.ની
828 બોટલ તથા બિયર ટીન 84 પોલીસે
કબજે લીધા હતા. પકડાયેલા આ જથ્થાની કિંમત રૂા. 5,05,752 આંકવામાં
આવી છે. દારૂના પ્રકરણમાં એક બાળક કિશોર કાયદાના સંઘર્ષમાં આવ્યું હતું. આ ઉપરાંત આરોપી
રામજી જીવા વરિયા (રહે. ઘરાણા, તા. ભચાઉ), જુસબ
સુલેમાન ગગડા (રહે. ખરાવાડવાસ, લાકડિયા)નાં નામ ખૂલ્યાં હતાં.
પોલીસે આ બંને આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી વધુ તપાસ આરંભી છે. આટલાં પ્રમાણમાં
દારૂનો જથ્થો કોણે આપ્યો અને ક્યાં આવ્યો તેમજ કોને આપવાનો સહિતના મુદ્દે પોલીસ દ્વારા આગામી દિવસોમાં ઝીણવટપૂર્વક
તપાસ કરવામાં આવશે. આ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. એન.એન. ચૂડાસમા, પી.એસ.આઈ. ડી.જી. પટેલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.