• ગુરુવાર, 17 એપ્રિલ, 2025

પાંચ હાર બાદ ચેન્નાઇએ ચાખ્યો જીતનો સ્વાદ

લખનઉ, તા. 14 : આઇપીએલની વર્તમાન સિઝનમાં સરિયામ નબળું પ્રદર્શન કરનાર ચેન્નાઇ સુપર કિંગ્સે સોમવારે છેલ્લા દડા સુધી ક્રીઝ પર ટકી રહેલા શિવમ દુબેના 43 રનની મદદથી લગાતાર પાંચ પરાજય પછી લખનઉ સુપર જાયન્ટ્સને પાંચ વિકેટે હરાવીને વિજયનો સ્વાદ ચાખ્યો હતો. ઘરઆંગણે હારેલી લખનઉએ આપેલું 167 રનનું લક્ષ્ય ચેન્નાઇએ ત્રણ દડા બાકી હતા ત્યારે આંબી લીધું હતું. પરિણામે જાયન્ટ્સના સુકાની રિષભ પંતની અર્ધસદી એળે ગઇ હતી. સુપર કિંગ્સની જીતમાં 22 દડામાં પાંચ ચોગ્ગા સાથે 37 રન કરનાર રચિન રવીન્દ્ર તેમજ પોતાના અસલી મિજાજની ઝલક બતાવનાર મહેન્દ્રસિંહ ધોનીએ અંતિમ ચરણમાં 11 દડામાં ચાર ચોગ્ગા, એક છગ્ગા સાથે 26 રન કરીને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. શિવમ દુબેએ 22 દડામાં પાંચ ચોગ્ગા સાથે અણનમ 43 રન ફટકારી દેતાં ચેન્નાઇના વિજયને સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અગાઉ, ઇકાના સ્ટેડિયમની ધીમી પીચ પર ચેન્નાઇ સુપર કિંગ્સની ચુસ્ત બોલિંગ સામે 20 ઓવરમાં 7 વિકેટે લખનઉ સુપર જાયન્ટ્સનો તેના ઘરઆંગણે 166 રનનો સામાન્ય સ્કોર થયો હતો. આથી સીએસકેને સતત પાંચ હારનો ક્રમ તોડવા માટે 167 રનનું વિજય લક્ષ્ય મળ્યું હતું. લખનઉ તરફથી આઉટ ઓફ ફોર્મ રિષભ પંતે 49 દડામાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાથી 63 રનની કેપ્ટન ઇનિંગ્સ રમી હતી. બાકીના તમામ બેટર મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. લખનઉના પાવર હિટર્સ એડન માર્કરમ (6) અને નિકોલસ પૂરન (8) સસ્તામાં આઉટ થયા હતા, જ્યારે મિશેલ માર્શે 2પ દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગા સાથે 30 રનની ધીમી ઈનિંગ્સ રમી હતી. આથી લખનઉ ટીમ દબાણમાં આવી ગઇ હતી. કપ્તાન રિષભ પંતે એક છેડો સાચવી લખનઉની ઇનિંગ્સ સ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેને સામે છેડેથી મજબૂત સાથ સાપડયો ન હતો. આયુષ બદોની બે ડીઆરએસ જીવતદાન છતાં 22 રન જ કરી શકયો હતો. અબ્દુલ સમદ અંતિમ ઓવરમાં ધોનીના અદ્ભુત રન આઉટથી પેવેલિયનમાં પરત ફર્યો હતો. સમદે 11 દડામાં 2 છગ્ગાથી 20 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. પંત પણ આખરી ઓવરમાં 63 રને આઉટ થયો હતો. ઇનિંગ્સની આખરી ઓવરમાં પથિરાનાએ ચાર વાઇડ બોલ ફેંક્યા હતા અને બે વિકેટ લીધી હતી. સીએસકે તરફથી રવીન્દ્ર જાડેજાને પણ બે વિકેટ મળી હતી. ચેન્નાઇની ઇલેવનમાંથી અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને બેટર ડીવોન કોન્વેને પડતા મૂકવામાં આવ્યા હતા. 20 વર્ષીય શેખ રસીદને પહેલીવાર તક મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd