• ગુરુવાર, 17 એપ્રિલ, 2025

આંબેડકરના વિચારો પર ઘમસાણ

આનંદ કે વ્યાસ તરફ : નવી દિલ્હી, તા. 14 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દાવો કર્યો હતો કે, કૉન્ગ્રસ પક્ષ હાલમાં સંસદના બંને ગૃહોમાં પસાર થયેલા વક્ફ કાયદાનો વિરોધ કરી રહ્યો છે, કેમ કે વોટબૅન્કનો વાયરસ કરડ્યો છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, દેશનો સૌથી જૂના રાજકીય પક્ષે સામાજિક ન્યાય માટેના ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિઝનનો ઉપયોગ પોતાના લાભ અને હિત માટે શસ્ત્ર તરીકે કરી રહ્યા છે અને તેનો ઉપયોગ તુષ્ટિકરણ માટે કરી રહ્યા છે. જો કે, તેમની આ ટિપ્પણનો વળતો જવાબ આપતાં કૉન્ગ્રેસના વડા મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું હતું કે, બાબાસાહેબની વિરાસતની વડા પ્રધાન દ્વારા થતી વાતો માત્ર શબ્દોના સાથિયા છે અને આંબેડકરની ઇચ્છા પૂરી થાય એવું એક પણ પગલું તેમણે લીધું નથી. ડૉ. બાબાસાહેબ આંબેડકરને કૉન્ગ્રેસ દ્વારા મળેલી વર્તણૂંક બાબતે મોદીએ કરેલી ટીકા બાબતે વળતો પ્રહાર કરતા ખડગેએ ડૉ. આંબેડકરે લખેલા પત્રનો સંદર્ભ આપતા કહ્યું હતું કે, 1952ની ચૂંટણીમાં પોતાના પરાજય માટે આંબેડકરે એસ. એ. ડાંગે અને વિનાયક સાવરકરને જવાબદાર ઠેરવ્યા હતા. આંબેડકર જયંતી નિમિત્તે પત્રકારો સાથે વાત કરતા ખરગેએ રાષ્ટ્રીય સ્તરે જાતિ-આધારિત વસ્તી ગણતરીની જરૂરીયાત પર ભાર આપવાની સાથે એસસી, એસટી અને ઓબીસી માટે ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અનામતના અમલીકરણને ધ્યાનમાં લેવાની વાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશનું બંધારણ આંબેડકર તરફથી નાગરિકોને મળેલી ભેટ છે, જે તેમને સામાજિક, આર્થિક તથા રાજકીય ન્યાયનો અધિકાર આપે છે. અૉલ ઈન્ડિયા કૉન્ગ્રેસ કમિટીના સત્રમાં અમે આ બાબતને આગળ ધપાવી હતી. ખરગેએ જણાવ્યું હતું કે, કૉન્ગ્રેસ પાંચ મુદ્દાઓને આગળ વધારવા માગે છે અનેઆથી જ અમે એ વાત પર ભાર આપી રહ્યા છીએ કે, રાષ્ટ્રવ્પાયી જાતિ-આધારિત વસ્તી ગણતરી આવશ્યક છે. કેન્દ્ર સરકાર 2011ની વસ્તી ગણતરીના આધારે યોજનાઓ બનાવી રહી છે અને 2021માં જે જનગણના થવાની હતી, એના વિશે કોઈ કશું જ જાણતું નથી. સરકારી નીતિઓ વસ્તી ગણતરીના તારણો અને આંકડાઓના આધારે બનતી હોય છે. અમારી માગ છે કે, સામાન્ય વસ્તી ગણતરીની સાથે જાતિ-આધારિત વસ્તી ગણતરી પણ હાથ ધરવામાં આવે, જેથી જાણી શકાય કે કયા વર્ગે કેવી અને કેટલી પ્રગતિ કરી છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. કૉન્ગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, જાતિ-આધારિત વસ્તી ગણતરી કરાવવા માટે સરકાર તૈયાર નથી. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, કલમ 15(5) અંતર્ગત આપવામાં આવેલી મૂળભૂત બાંહેધરી મુજબ ઓબીસી, એસસી અને એસટીને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપવાની જોગવાઈનો પણ તુંરત અમલ થવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, અનામત પર પચાસ ટકાની ટોચમર્યાદા પણ દૂર કરવાની જરૂર છે. કૉન્ગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે મહિલા અનામત ખરડો બે વર્ષ પહેલા પસાર કરાયો પણ અમારા પક્ષની માગ હતી કે તેનું અમલીકરણ તરત કરવામાં આવે અને તેમાં પણ એસસી, એસટી અને ઓબીસી મહિલાઓ માટે ક્વૉટાની જોગવાઈ હોવી જોઈએ. મોદી સરકાર આંબેડકરનું નામ લે છે, પણ તેમની ઇચ્છાઓને પરિપૂર્ણ કરવાની તેમની તૈયારી નથી. તેઓ માત્ર વાતોનાં વડાં કરી જાણે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd