કોલકાતા, તા. 14 : વક્ફ
સુધારા કાનૂનનાં વિરોધ વચ્ચે પશ્ચિમ બંગાળમાં હિંસાની આગ સતત પ્રસરી રહી છે. સૌ
પહેલાં મુર્શિદાબાદમાં ભડકેલી હિંસામાં ત્રણના મોત થયાં અને હવે ત્યાં સ્થિતિ તંગ
છતાં સુધારા તરફ છે તે દરમ્યાન અન્ય ભાગોમાં હિંસા પ્રસરી રહી હોવાનું અહેવાલોમાં
જણાવવામાં આવ્યું હતું. શમશેરગંજના જાફરાબાદમાં બબાબ થઈ હતી તે પછી આજે દક્ષિણ 24 પરગણામાં
પણ હિંસાની આગ પહોંચી હતી અને અહીં દેખાવકારોએ પોલીસની વેનમાં આગ લગાડવા ઉપરાંત
સંખ્યાબંધ અન્ય વાહનોમાં આગચંપી કરતાં સ્થિતિ તંગ બની હતી. દરમ્યાન, રાત્રિના ભાંગડના
ઘટકકુપુરમાં પણ વિરોધદેખાવો શરૂ થયા હતા. ટોળાંએ તૃણમૂલના ધારાસભ્ય શૌકત મોલ્લાને
ઘેરી લીધા હતા. દરમ્યાન, મુર્શિદાબાદમાં હિંસાની આગ ઉપર હવે
રાજકારણ પણ ભડકી ગયું છે. જેમાં ભાજપે આ તોફાન માટે રાજ્યના સત્તાપક્ષ તૃણમૂલ
કોંગ્રેસની તુષ્ટીકરણની રાજનીતિ ઉપર આળ લગાવતા કેન્દ્રીય એજન્સી પાસે તપાસની માગણી
કરવા સાથે મુખ્યમંત્રી મમતા બેનરજીનાં રાજીનામાની માગણી ઉઠાવી છે. તો બીજીબાજુ
તૃણમૂલે ભાજપ ઉપર જૂઠો અપપ્રચાર કરવા અને ઉશ્કેરણીની રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો
છે. કેન્દ્ર સરકારે ઘડેલા વક્ફ કાયદા મુદ્દે થયેલા હિંસામાં મુર્શિદાબાદમાં ત્રણ
લોકોનાં મૃત્યુ નીપજ્યા હતાં. જેને પગલે હવે ભાજપે કોલકાતામાં એક વિરાટ રેલીનું
આયોજન કર્યુ છે. ભાજપના નેતાઓએ તૃણમૂલને ઘેરતાં મમતાનાં રાજીનામાની માગણી કરી છે
અને કેન્દ્રીય એજન્સી પાસે તપાસ માગી છે. કેન્દ્રીય મંત્રી અને રાજ્ય ભાજપ પ્રમુખ
સુકાંત મઝૂમદારે આરોપ લગાવ્યો હતો કે, મમતા બેનરજીને હવે
પોતાનાં પદ ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી. તેમનાં રાજ્યમાં સેંકડો હિન્દુઓ ઉપર હુમલા
થયા છે. હિન્દુઓની દુકાનો, મકાનોને વીણીવીણીને નિશાન
બનાવવામાં આવ્યા હતાં. ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ તૃણમૂલનાં શાસનમાં
કટ્ટરવાદીઓનો જુસ્સો વધ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ભાજપનાં આક્રમણનો જવાબ આપતા
તૃણમૂલે વળતો આરોપ લગાવ્યો હતો કે, આ હિંસા દેશ બહારથી આવેલા
તત્વો દ્વારા કરવામાં આવી હતી. કોઈ મોટા કાવતરાનાં ભાગરૂપે બીએસએફ દ્વારા
બાંગ્લાદેશની સીમાએથી આ લોકોને ઘૂસણખોરી કરાવાઈ હતી. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ
પર પ્રહારો કરવાની સાથે જણાવ્યું હતું કે
દરેક જાતિ અને ધર્મના લોકોને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ કાયદો હાથમાં લેવો જોઈએ
નહીં.