• ગુરુવાર, 17 એપ્રિલ, 2025

બંદરો ઉપર માનવશક્તિનો ઘટાડો ચિંતાજનક

ગાંધીધામ, તા. 14 : મોર્મુગાઓ પોર્ટ ઉપર આઈએનટીયુસીના નેજા હેઠળ ઇન્ડિયન નેશનલ પોર્ટ્સ અને ડોક કામદાર સંઘ દ્વારા આયોજિત વાર્ષિક સામાન્ય સભામાં ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી અને માનવશક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે, તેના ઉપર ચિંતા વ્યક્ત કરાઇ હતી. આગામી સમયમાં કામદારોના પ્રશ્નોને લઈને શાપિંગ અને જળ મંત્રાલય સાથે ચર્ચાઓ કરીને ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવાઈ હતી. મોર્મુગાઓ પોર્ટ ઓથોરિટી ખાતે દેશના મુખ્ય બંદરો ઉપર સક્રિય  યુનિયનોના 40 પ્રતિનિધિ વાર્ષિક સામાન્ય સભામાં જોડાયા હતા. કંડલા પોર્ટ કર્મચારી સંઘે જણાવ્યું હતું કે, બેઠકમાં બંદરો ઉપર અસંખ્ય ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી. વર્તમાન માનવશક્તિમાં ભારે ઘટાડાની  ઘણી હાનિકારક અસરો છે. બંદરોના ખાનગીકરણથી જટિલતાઓ ઉદ્ભવી રહી છે. કરાર આધારિત નિમણૂકો, બીડબલ્યુએનસી સમાધાન મુજબ બાકી ચૂકવણીની આવશ્યકતા, દૈનિક દરજ્જા ધરાવતા કામદારોનું નિયમિતકરણ, સંબંધિત બંદર બોર્ડમાં લેબર ટ્રસ્ટીઓની મહત્ત્વપૂર્ણ નિમણૂક, બોનસ ચૂકવણીનું અંતિમ સ્વરૂપ અને અન્ય કેન્દ્ર સરકારના મંત્રાલયો દ્વારા ફરજિયાત જૂની પેન્શન યોજનાનું નોંધપાત્ર પુન:મૂલ્યાંકન સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થઈ હતી અને તેના અસરકારક ઉકેલો લાવવા માટે ફેડરેશન બંદરો, શાપિંગ અને જળમાર્ગ મંત્રાલય સાથે જોડાવા માટેની પ્રતિબદ્ધતામાં દૃઢ છે. વધુમાં, આઈએનટીયુસી બેનર હેઠળ બંદર કામદારોના સામૂહિક અવાજને મજબૂત કરવા માટે ફેડરેશનના સભ્યપદમાં નોંધપાત્ર વધારો કરવાની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય સભામાં ઇન્ડિયન નેશનલ પોર્ટ્સ એન્ડ ડોક વર્કર્સ ફેડરેશન અને સમગ્ર પોર્ટ વર્કર્સ વતી આઈએનટીયુસીના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર જી. સંજીવ રેડ્ડીની  સેવાશક્તિ અને પ્રેરણાનો કાયમી સ્રોત રહી હોવાનો ભાવ વ્યક્ત કરાયો હતો. ફેડરેશનના પ્રમુખ અબુબકરએ ગોદી કામદારો સામેના પડકારોનો સહયોગથી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મહામંત્રી રાણા વિસરિયાએ તમામનું સ્વાગત કર્યું હતું. ફેડરેશનના નેતૃત્વ અને મજબૂત બનાવવા માટે કોલકાતાના સમરેશ રોય, વિશાખાપટનમના ચંદ્ર રાવ, પારાદીપ પોર્ટ્સના બી.એન. મોહરાણા, એસ. આર. ફડતે, કંડલાના શ્યામમૂર્તિ, ભરત કોટિયા, જયંત રીવાઈ, સંપત નાઈક, અનવર માંજોઠી, સંદીપ પરમાર, પી.ટી. કૃષ્ણપા, સાર્થક સામંત્રે અને રૂઇ ગોડિંહોની અલગ-અલગ પદો ઉપર નિમણૂક કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd