ગાંધીધામ, તા. 14 : ગાંધીધામ
- આદિપુર જોડિયા શહેરોમાં પીવાનાં પાણીની લાઇનનું 365 ચોરસ કિલોમીટર લાઇન નેટવર્ક છે.
વિતરણ વ્યવસ્થા માટે 11 ટાંકાઓ છે. ટપ્પર ડેમ 90 ટકા
ભર્યો છે. ચાર મહિના ચાલે તેટલો જથ્થો છે. છતાં સંકુલમાં પીવાનાં પાણીની સમસ્યા
યથાવત્ રહેતાં વહીવટી તંત્ર સામે સવાલો ઊઠી રહ્યા છે. પાણીના ટેન્કરોની નોંધણી
માટે કોઈ સામાન્ય સંપર્ક નંબર નથી. 10 ટેન્કર હોવા છતાં નોંધણી પછી પણ
લોકોને ટેન્કર મળતું નથી. અસહ્ય મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને
મોંઘા ભાવનું વેચાતું પાણીનું ટેન્કર લેવું પડે છે. તેનાં કારણે લોકોમાં તંત્ર
સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગાંધીધામ મહાનગરપાલિકાનું પાણીની લાઈનોનું નેટવર્ક
વિશાળ છે. લગભગ વિસ્તારોને આવરી લેતું 365 કિલોમીટરનું આ નેટવર્ક છે. છતાં
લોકોનાં ઘરના નળમાં જળ આવતું નથી. આ ઉપરાંત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની એટલે કે
જીયુડીસીનો 107 કરોડથી વધુના 311 ચોરસ
કિલોમીટર લાઈનનાં નેટવર્કનો પ્રોજેક્ટ હજુ સુધી કાર્યરત કરાયો નથી. આ પ્રોજેક્ટ
અંતર્ગત કયા- કયા વિસ્તારોમાં લાઈનો નાખવામાં આવી છે અને કઈ-કઈ જગ્યાએ નવા ટાંકાઓ
બનાવવામાં આવ્યા છે તેનાથી લગભગ મહાનગરપાલિકાનો પાણી વિભાગ અજાણ છે. સરકારમાંથી
સીધું કામ જીયુડીસીને અપાયું હતું અને તેમાં તત્કાલીન સમયની નગરપાલિકાની કોઈ
ભૂમિકા હતી નહીં. લાઈનોનાં નેટવર્ક બાબતે પણ સુધરાઈના અધિકારીઓ સાથે ચર્ચાઓ થઈ
નથી. અનેક જગ્યાઓ ઉપર ખામીઓ છે,
પણ જી.યુ.ડી.સી. દ્વારા હજુ સુધી લાઈનોનું ટેસ્ટિંગ થયું નથી અને
પ્રોજેક્ટ મહાનગરપાલિકાને હસ્તાંતરિત કરાયો નથી. જો તેને કાર્યરત કરી દેવામાં આવે
તો પીવાનાં પાણીની સમસ્યા લોકો ભોગવી રહ્યા છે તે હલ થવાની સંભાવના છે. જી.યુ.ડી.સી.ના
જવાબદારોના કહેવા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કાર્ગોમાં બે પાણીના ટાંકા
બનાવવાના છે, તેના માટેની જગ્યા નથી. તે દિશામાં પ્રયાસો થઈ
રહ્યા છે, પણ ટાંકાઓની જગ્યાની રાહ જોયા વગર પ્રોજેક્ટ
કાર્યરત કરી દેવામાં આવશે તેવું કહી રહ્યા છે. શહેરના ભારતનગર, સપનાનગર, અપનાનગર સહિતના વિસ્તારોમાં લાઈનો નાખવાનું
કામ પૂર્ણ થઈ ગયું છે. લગભગ કનેક્શન પણ થઈ ગયા છે. ટેસ્ટિંગ કરવાની વાતો થાય છે,
પણ હજુ સુધી તે દિશામાં કોઈ કાર્યવાહી થઈ નથી. મહાનગરપાલિકા પાસે
જોડિયા શહેરોના અલગ-અલગ વિસ્તારોમાં લગભગ 14 સમ્પ છે. 10 ઓવરહેડ
ટેન્ક છે. તેની લગભગ 40 એમએલડી પાણી સંગ્રહ કરવાની
ક્ષમતા છે. જીયુડીસીએ પણ નવા ટાંકાઓ બનાવ્યા છે. પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં
વધારો થાય તેમ છે, એટલે જેટલી ઝડપથી પ્રોજેક્ટ કાર્યરત થાય તે દિશામાં પ્રયાસ થવા જરૂરી છે.
રામબાગમાં જૂના ટાંકામાંથી મોટર
કાઢીને નવામાં નખાશે
રામબાગ સમ્પ કમ્પાઉન્ડમાં જૂના
જર્જરિત ટાંકામાંથી એક મોટર કાઢીને તેને નવા ટાંકામાં નાખવામાં આવશે, ત્યાર પછી શહેરમાં
સપ્લાય નિયમિત થાય તેવી સંભાવનાઓ છે, હાલ બે મોટર કાર્યરત છે
અને ત્રીજી શરૂ કરવામાં આવશે. જૂનો ટાંકો જર્જરિત છે, ગમે
ત્યારે પડી જાય તેવી સ્થિતિ છે. કાટમાળ પણ અંદર જ છે. પૂરતા પ્રમાણમાં પાણીનો
જથ્થો છે. તેઓ દાવો તંત્ર કરે છે, પણ અત્યાર સુધી લોકોને
નિયમિત પાણી આપી શકાયું નથી. હવે નવી મોટર કાર્યરત થયા પછી શું સ્થિતિ ઊભી થાય છે
તે જોવાનું રહ્યું છે.