• ગુરુવાર, 17 એપ્રિલ, 2025

અંજાર-ગાંધીધામમાં 43.6 ડિગ્રીએ આકરા તાપનું પ્રભુત્વ

ભુજ, તા. 14 : કચ્છમાં ફરી એકવાર ગરમીએ પોતાનું જોર બતાવવાનું શરૂ કર્યું છે. આજથી ત્રણ દિવસ ગરમીનું આકરું મોજું કચ્છને અકળાવે તેવી હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે અંજાર-ગાંધીધામ વિસ્તારમાં સતત બીજા દિવસે મહત્તમ પારો 43.6 ડિગ્રીના આંકે સ્થિર રહેતાં આ વિસ્તારે રાજ્યના મોખરાના ગરમ મથક તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. હવામાન વિભાગે ત્રણ દિવસ યેલો એલર્ટ જારી કરવા સાથે મહત્તમ પારો 44 ડિગ્રીના આંકે પહોંચે તેવી આગાહી કરી છે. અંજાર-ગાંધીધામ વિસ્તારને સમાવતું કંડલા એરપોર્ટ મથક રવિવારે રાજ્યનું પ્રથમ અને દેશનું બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. સતત બીજા દિવસે પારો 44 ડિગ્રીના આંક નજીક સ્થિર રહેતાં ચૈતરિયા તાપથી જનજીવન ત્રાહિમામ પોકારી ઊઠયું હતું. જિલ્લા મથક ભુજમાં પણ પારો 40.8 ડિગ્રીના આંકે સ્થિર રહેતાં શહેરીજનોએ આકુળવ્યાકુળ કરતો તાપ અનુભવ્યો હતો. તાપની આણ સાથે લૂ ઓકતો વાયરો ફૂંકાતાં લોકોની બેવડી અગનકસોટી થઈ હતી. હવામાન વિભાગે ભુજ માટે જારી કરેલા પાંચ દિવસના વર્તારામાં મંગળથી ગુરુ દરમિયાન પારો 44 ડિગ્રીના આંક સુધી પહોંચવાની સંભાવના દેખાડવામાં આવી છે. કંડલા પોર્ટમાં મહત્તમ પારો ઊંચકાઈ 39.9 એટલે કે, 40 ડિગ્રીની નજીક પહોંચતાં દરિયાઈ  વિસ્તાર પણ ગરમી ઊકળાટથી ત્રસ્ત બન્યો હતો. હવામાન વિભાગે 17મી તારીખ સુધી ગરમીના આકરા મોજાની ચેતવણી સાથે દરિયાઈ વિસ્તારમાં ભેજયુક્ત ઊકળાટ અનુભવાશે તેવી આગાહી કરી છે. સતત અનુભવાતા આકરા તાપના કારણે જનજીજવન પર તેની સ્પષ્ટ અસર વર્તાતી જોવા મળી રહી છે. બપોરના સમયે માર્ગો પર સન્નાટો છવાવા સાથે લઘુતમ પારો ઊંચો રહેતાં રાત્રે પણ શિતળતા નહીંવત પ્રમાણમાં અનુભવાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd