નવી દિલ્હી, તા. 14 : બેલ્જિયમમાંથી
ભારત માટે મોટા સમાચાર મળી રહ્યા છે. પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) લોન કૌભાંડના
મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોક્સીની પોલીસે બેલ્જિયમમાંથી ધરપકડ
કરી લીધી હતી. ભારતની મોટી જીત સમાન ઘટનાક્રમમાં સીબીઆઈ તરફથી અપીલ કરાતાં
બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી હતી. બેલ્જિયમથી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની
પ્રક્રિયા ભારતે શરૂ કરી દીધી છે. હાલ ચોક્સી જેલમાં છે. તેણે પોતાની તબિયત ખરાબ
છે તેવું કારણ આપીને જામીનની માંગ કરી હતી. પોતે સારવાર માટે બેલ્જિયમ આવ્યો હતો
અને પત્ની સાથે એંટવર્પમાં રહેતો હતો,
તેવું તેણે કહ્યું હતું. મેહુલ ચોક્સી પર 13,850 કરોડ
રૂપિયાના ઘોટાળાનો આરોપ છે. પત્ની પ્રીતિ સાથે હાલ બેલ્જિયમમાં વસતો હતો. ભાગેડુ
કારોબારી ભારતમાં ચાર હજાર સ્ટોર ધરાવતી આભૂષણ કંપની ગીતાંજલિનો માલિક છે. ચોક્સી
અને તેના ભાણેજ નીરવ મોદી પર પીએનબીની મુંબઈ સ્થિત શાખામાં 14 હજાર
કરોડના લોન કૌભાંડનો આરોપ છે. વર્ષ-2018માં ભારત છોડવાથી પહેલાં જ 2017માં
મેહુલે એંટિગા-બારબૂડાની નાગરિકતા લઈ લીધી હતી. ભારતમાં ચોક્સીની 1217 કરોડની
41 સ્થાવર
સંપત્તિ જપ્ત કરાઈ છે. મે 2021માં તે એંટિગાથી પાડોશી દેશ
ડોમિનિકા ગયો હતો.