• બુધવાર, 12 માર્ચ, 2025

લોકશાહીનાં પર્વમાં મતદારો નીરસ

અમદાવાદ, રાજકોટ, તા. 16 (પ્રતિનિધિ) : જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટાચૂંટણી માટે આજે મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું. સવારથી સાંજ સુધીમાં જૂનાગઢ મનપામાં 44.32 ટકા અને 68 નગરપાલિકામાં 56.84 ટકા મતદાન નોંધાયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના 5 હજારથી વધુ ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. 2018માં યોજાયેલી 75 નગરપાલિકામાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું. જ્યારે આ વખતે 57 ટકા મતદાન થતાં ગત ચૂંટણી કરતાં આ વખતે મતદાનમાં 8 ટકાનો ઘટાડો થયો છે. હવે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. આજે વહેલી સવારથી રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થયું હતું. ઘણા વિસ્તારમાં સવારથી જ મતદારોમાં નિરુત્સાહ જોવા મળ્યો હતો. જેના કારણે ઉમેદવારો ચિંતામાં મુકાયા હતા અને મતદારોના ઘર સુધી દોડી ગયા હતા. મતદારોને ઘરની બહાર કાઢી મતદાન મથક સુધી લઇને આવતા જોવા મળ્યા હતા તેમજ મતદાન વચ્ચે અનેક જગ્યાએ ઇવીએમ ખોટકાયાં હોવાની ફરિયાદ મળતાં તંત્ર દોડતું થયું હતું. ઘણી જગ્યાએ ઇવીએમ મશીનને બદલાવની જરૂર પડી હતી અને કલાક સુધી કામગીરી ન થતાં મતદારો પાછા જતા પણ જોવા મળ્યા હતા. ચૂંટણીને લઇને મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી એક-બે જગ્યાને બાદ કરતા સવારથી સાંજ સુધીમાં મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. આ બધાની વચ્ચે મતદાન દરમિયાન પોલીસનો અલગ જ ચહેરો સામે આવ્યો છે. પોલીસ સાચા અર્થમાં પ્રજા મિત્ર બનતી નજરે પડી હતી. પોલીસ કર્મચારીઓ વૃદ્ધ, અસક્ત અને દિવ્યાંગ મતદારોને મદદ કરતા જોવા મળ્યા હતા તેમજ લગ્નની સિઝન હોવાથી વર-વધૂએ લોકશાહીનાં આ પર્વને પ્રથમ ગણીને પહેલાં મતદાન પછી લગ્નનો સંદેશ આપ્યો હોય એમ ઘણા કેન્દ્રો પર વરરાજા શેરવાની પહેરીને મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાનનો એવો ઉત્સાહ હતો કે, ધંધુકામાં એક વરરાજા લગ્ન પહેલાં મતદાન કરવા પહોંચી ગયા હતા, જ્યારે બોટાદમાં પણ એક વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ વાજતે-ગાજતે મતદાન કરવા આવ્યા હતા, જ્યારે જામનગરમાં પણ એક વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. વલસાડમાં વાયરલ થયેલા એક વીડિયો અનુસાર વોર્ડ નંબર 2માં ભાજપને વોટ આપતાં દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. જો કે, હજુ સુધી આ વીડિયોની પુષ્ટિ થઇ શકી નથી. અન્ય સ્થળોએ જોઇએ તો બીજી બાજુ લુણાવાડામાં ભાજપ અને કોંગ્રેસના એજન્ટો વચ્ચે મતદાન મથકે બોલાચાલીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. અહીં વોર્ડ નંબર 4 પર બે એજન્ટ બાખડયા હતા. 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારનું ભાગ્ય ઈવીએમમાં કેદ થયું છે. અત્યાર સુધીમાં સ્થાનિક સ્વરાજની કુલ 213 બેઠક બિનહરિફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠકમાંથી 8 બેઠક બિનહરીફ જાહેર છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd