• બુધવાર, 12 માર્ચ, 2025

ભાજપની આંધીમાં `ઝાડુ'નો સફાયો

નવી દિલ્હી, તા. 8 : દેશની રાજધાનીમાં 27 વર્ષે કમળ પૂર્ણ કળાએ ખીલ્યું છે. વિધાનસભા ચૂંટણીનાં આજે જાહેર થયેલાં પરિણામોમાં દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીને જાકારો આપ્યો છે અને મોદીના જાદૂ સહિતનાં પબિળોને લઈને 48 બેઠક સાથે કેસરિયા પક્ષને બહુમત મળ્યો છે, જ્યારે કોંગ્રેસ ફરી ખાતું ખોલાવી શકી નહોતી. જો કે, તકેણે અમુક બેઠકમાં આપના મતો કાપ્યા હોવાનું કહેવાય છે. આપને માત્ર 22 બેઠક મળી હતી, તો કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિતના પક્ષના દિગ્ગજ નેતાઓએ પણ હારનો સામનો કરવો પડયો હતો. નવી દિલ્હીમાં કેજરીવાલને હરાવનારા પ્રવેશ વર્માનું નામ મુખ્યમંત્રી પદ માટે ચર્ચાઈ રહ્યું છે. જો કે, ભાજપનું મોવડી મંડળ ચોંકાવવા માટે જાણીતું છે. વડાપ્રધાને જણાવ્યું છે કે, પહેલાં વિધાનસભા સત્રમાં જ કેગનો રિપોર્ટ મૂકવામાં આવશે, ભ્રષ્ટાચારીઓને છોડશું નહીં. ભાજપે પરિણામને `મોદીની ગેરંટી' પર દિલ્હીની જનતાનો ભરોસો ગણાવ્યો છે. દિલ્હીની ચૂંટણીમાં આપના અનેક દિગ્ગજ નેતા પ000થી પણ ઓછા મતે હાર્યા છે. આમ આદમી પાર્ટીએ 40 બેઠક ગુમાવી છે, તો ભાજપે 40  વધારી છે. ભાજપના ઝંઝાવાતી ચૂંટણી પ્રચારે કેજરીવાલની છબી તોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભ્રષ્ટાચાર, આપ-દા, શીશમહેલ, યમુનાની ગંદકી જેવા મુદ્દા ભાજપે જોરશોરથી ઉછાળ્યા હતા. દિલ્હી વિધાનસભાની 70 બેઠકમાં ભાજપે 48 બેઠક જીતી (બહુમત 36) શાનદાર પ્રદર્શન કર્યું છે. છેલ્લા બે દાયકાથી રાજધાનીમાં ભાજપનો ભગવો રથ સત્તા સુધી પહોંચી શકયો ન હતો. આ વખતે પણ કોંગ્રેસનો શરમજનક ધબડકો યથાવત્ રહ્યો અને ખાતું પણ ખૂલ્યું નથી. અપક્ષ સહિત અન્યોની હાલત પણ આવી જ રહી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધૂરંધર નેતાઓ ચૂંટણી હાર્યા છે. પરિણામમાં મોટું આશ્ચર્ય એ રહ્યું કે, અનેક દિગ્ગજોની હારમાં મતનું અંતર નજીવું રહ્યું છે. આમ આદમી પાર્ટીની હારમાં કોંગ્રેસનો મોટો ફાળો રહ્યાનું આંકડા દર્શાવે છે. 14 જેટલી બેઠક એવી છે જ્યાં કોંગ્રેસને કારણે આપ હારી અને તેના ઉમેદવારોની હારનું અંતર કોંગ્રેસને મળેલા મતોથી પણ ઓછું છે. આપ અને કોંગ્રેસે જો ગઠબંધન કર્યું હોત તો કદાચ તેમની 37 અને ભાજપની 34 બેઠક રહી હોત અને ચિત્ર કંઈક અલગ હોત. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સૌરભ ભારદ્વાજ, સોમનાથ ભારતી અને દુર્ગેશ પાઠક સહિત ટોચના નેતાઓ ઉપરાંત કોંગ્રેસના સંદીપ દીક્ષિત, હારુન યુસુફ, અલકા લાંબા ચૂંટણી હાર્યા છે. નવી દિલ્હી બેઠક પર ભાજપના પ્રવેશ વર્માએ કેજરીવાલને 3000થી વધુ મતોથી હરાવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ ભાજપના રમેશ બિધુરીને 989 મતે હરાવ્યા હતા. આપના ગોપાલ રાય 18,994 મતે જીત્યા હતા. ભાજપે આ વખતે 70માંથી 68 બેઠક લડી 71ના સ્ટ્રાઈક રેટથી 48 બેઠક જીતી છે. 1993માં ભાજપે 49 બેઠક જીતી સરકાર બનાવી હતી અને મદનલાલ ખુરાના, સાબિહસિંહ વર્મા અને સુષ્મા સ્વરાજ મુખ્યમંત્રી બન્યા હતા. 1998 પછી દિલ્હીમાં 1પ વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું અને ર013થી આમ આદમી પાર્ટી સત્તામાં હતી. ભાજપના વોટ શેરમાં ર00ની તુલનાએ નવ ટકાનો વધારો થયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd