ન્યૂયોર્ક, તા. 29 : એક મહત્ત્વનાં નિવેદનમાં, વિદેશમંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)ને સંબોધન દરમ્યાન જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે એક જ મુદ્દાનો ઉકેલ બાકી છે અને એ છે પીઓકે ખાલી કરાવવાનો. આતંકવાદને પોષતા પાકને ઝાટકતાં જયશંકરે કહ્યું હતું કે, પાકિસ્તાનની સીમા પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેને પોતાનાં કૃત્યોનું પરિણામ ભોગવવું પડશે.જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પાકિસ્તાન ગેરકાયદે કબજો કર્યો છે તેવા ભારતીય પ્રદેશને ખાલી કરે અને આતંકવાદ પ્રત્યે પોતાની લાંબા સમયની સામેલગીરી છોડી દે.વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, એ (પાકિસ્તાનના) કર્મો જ કે તેમની બુરાઈઓ ત્યાંના સમાજને ભરખી રહી છે. ઘણા દેશ પોતાનો અંકુશ ન હોય તેવી બાબતોથી પાછળ રહી જાય છે, પણ અમુક દેશ તો એવા હોય છે જે જાણીબૂજીને વિનાશકારક પરિણામ સર્જાય તેવા નિર્ણયો લે છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ આપણો પાડોશી દેશ પાકિસ્તાન છે. તેમણે કહ્યું હતું કે, અમે કાલે આ મંચ પર વિચિત્ર વાતો સાંભળી, માટે હું ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી દેવા માગું છું. પાકની સીમા પાર આતંકની નીતિ ક્યારેય સફળ નહીં થાય.