• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

બજેટ `જ્ઞાન', વિકાસ પર `ધ્યાન'

અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્ય વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ પટેલે ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું કુલ રૂા. 4,08,053 કરોડનું કદ ધરાવતું બજેટ રજૂ કર્યું હતું. જે વર્ષ 2025-26ના કુલ રૂા. 3,70,803 કરોડના બજેટ કરતાં 10.2 ટકા વધુ છે. આ બજેટમાં તેમણે રૂા. 210 કરોડની રાહતો જાહેર કરી છે. જ્યારે એકપણ રૂપિયાનો કોઈ નવો વેરો લાદ્યો નથી. આ બજેટમાં એકંદરે અંદાજિત પુરાંત રૂા. 974 કરોડ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એટલે કે જ્ઞાનને ધ્યાનમાં લેવા છે. તો બીજીબાજુ આ બજેટને મુખ્ય પાંચ સ્તંભોને આધીન તૈયાર કરાયું છે, જેમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાંકીય સુવિધાઓ, આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથને કેન્દ્ર સ્થાને રખાયા છે. વર્ષ 2026-27 માટે કુલ બજેટમાંથી રૂા. 2,71,602 કરોડની મહેસૂલી આવક અને રૂા. 2,46,016 કરોડ મહેસૂલ ખર્ચ દર્શાવાયો છે અર્થાત વર્ષાંતે કુલ રૂા. 25,586 કરોડની મહેસૂલી પુરાંત દર્શાવાઈ છે. આ બજેટનો સારાંશ એ માની શકાય કે, આ બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ ગુજરાતના સર્વાંગી વિકાસનો પાયો છે. શિક્ષણથી લઈને સેમિકન્ડક્ટર સુધી અને ખેતીથી લઈને ઓલિમ્પિક સુધીના તમામ પાસાંઓને આવરી લઈને સરકારે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મજબૂત ડગ માંડ્યા છે. એવી જ રીતે આ બજેટ ગુજરાતને વિકસિત ગુજરાત તરફ લઈ જવાની દિશામાં એક મક્કમ ડગલું માની શકાય કેમ કે, એમાં વેપારીઓ માટે ટેક્સ પ્રક્રિયાનું સરળીકરણ અને સામાન્ય જનતા માટે ઇલેક્ટ્રિક વાહનો પરની રાહત એ આ બજેટના સૌથી આકર્ષક પાસાં રહ્યા છે, જેમાં `ઇઝ ઓફ લાવિંગ' અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રિફોર્મ એક્સપ્રેસના રોડમેપને અનુસરીને, ગુજરાતના નાણામંત્રીએ જીએસટી (જીએસ) પ્રક્રિયામાં મોટા સુધારા અને પર્યાવરણની જાળવણી માટે મહત્ત્વની જાહેરાતો કરી છે. નાણામંત્રીએ આ બજેટમાં આગામી 5 વર્ષ માટે રૂા. 50,000 કરોડના વિકસિત ગુજરાત ફંડની જાહેરાત સાથે સરકારે રાજ્યના લાંબાગાળાના વિકાસની મજબૂત કલ્પના કરી છે. જેમાંથી ચાલુ વર્ષ માટે હાઈસ્પીડ કોરિડોર, રિજનલ ઇકોનોમિક માસ્ટરપ્લાન અને એક્સપ્રેસ-વે જેવા પ્રોજેક્ટ્સ માટે રૂા. 10,000 કરોડ પ્રસ્તાવિત છે. પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત કરવા સ્ટેટ એક્સપ્રેસ-વે માટે 3000 કરોડ અને રેલવે કનેક્ટિવિટી વધારવા અમદાવાદ-સુરત વચ્ચે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (છછઝજ)ની સ્થાપના કરવાની પણ બજેટમાં જાહેરાત કરાઈ છે.  સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના  હેઠળ રૂા. 19,116 કરોડની ફાળવણી કરાઈ છે. સુરત અને અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા સ્માર્ટ પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે રૂા. 200 કરોડ ફાળવ્યા છે. એવી જ રીતે કડાણા ડેમ ખાતે ફ્લાટિંગ સોલાર પ્રોજેક્ટ માટે રૂા. 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 9થી 12ની વિદ્યાર્થિનીઓ માટે `નમો લક્ષ્મી' હેઠળ 1250 કરોડ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે `નમો સરસ્વતી' હેઠળ રૂા. 250 કરોડની જોગવાઈ છે. 

Panchang

dd