પ્રકાશ
જ્હા દ્વારા : ગાંધીનગર, તા. 17 : તા.
1-1-2026ની લાયકાતની તારીખના આધારે ચૂંટણી પંચની
સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં હાથ ધરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (એસ.આઈ.આર.)
ઝુંબેશ પૂર્ણ થઈ છે. તા. 27 ઓક્ટોબર, 2025થી રાજ્યભરમાં શરૂ કરાયેલી આ ઝુંબેશ સતત સાડા ત્રણ માસ સુધી ચાલી હતી.
વિવિધ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ આજે અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે
જે અનુસાર રાજ્યમાં કુલ મતદારની સંખ્યા 4,40,30,725 થઈ છે. રાજ્યમાં મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ
થયા પહેલાં કુલ 5,08,43,436 મતદારો
નોંધાયેલા હતા. મુસદ્દા યાદી બાદ આ સંખ્યા 4,34,70,109 રહી હતી અને હવે અંતિમ મતદાર યાદીમાં કુલ
4,40,30,725
મતદારોના નામ નોંધાયા છે. આમ મુસદ્દા યાદી
બાદ કુલ 5.60 લાખ મતદારોનો ચોખ્ખો વધારો નોંધાયો છે.
સમગ્ર પ્રક્રિયામાં 50,963 બૂથ
લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે જઈ ગણતરી ફોર્મનું વિતરણ, માહિતી
સંકલન અને મેપીંગ-મેચીંગની કામગીરી કરવામાં આવી હતી. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં પણ એસ.આઈ.આર.ની
અસર સ્પષ્ટ જોવા મળી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મુસદ્દા યાદી બાદ આ સંખ્યા
1,30,69,149 રહી હતી અને હવે અંતિમ મતદાર યાદીમાં કુલ 1,32,49,861 મતદારોના નામ નોંધાયા છે. આમ મુસદ્દા યાદી
બાદ કુલ 1.80 લાખ મતદારોનો વધારો નોંધાયો છે. કચ્છ જિલ્લામાં
અંતિમ મતદાર સંખ્યા 14,95,785 રહી
છે, જેમાં 19,376નો નેટ
વધારો નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 33,421 મતદારોનો વધારો સાથે કુલ સંખ્યા 20,88,779 થઈ છે. પોરબંદર જિલ્લામાં ટકાવારી મુજબ
સૌથી વધુ 2.12 ટકા વધારો નોંધાયો છે. માત્ર સુરેન્દ્રનગર
જિલ્લામાં 99 મતદારોનો ઘટાડો નોંધાયો છે. ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ સમગ્ર પ્રક્રિયા પારદર્શક
રીતે અને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં રાજકીય પક્ષો અને બૂથ
લેવલ એજન્ટો સાથે બેઠક યોજી ગેરહાજર અથવા પાછા ન મળેલા ફોર્મ અંગે ચર્ચા કરવામાં આવી
હતી. અંતિમ મતદાર યાદી તમામ મતદાન કેન્દ્રો તેમજ મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ
પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જ્યાં મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે. -
હજુ પણ સુધારો કરી
શકાશે : 1લી,
જાન્યુઆરી-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પુરા કરનાર યુવાનો આગામી સમયમાં પણ
ફોર્મ નં.6 ભરીને તેઓનું નામ ભવિષ્યમાં પ્રસિદ્ધ થનારી
મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે. વખતો-વખત કરવામાં આવતા સતત સુધારણા અંતર્ગત નાગરિકો
પણ ફોર્મ નં 6, 7 અને 8 ભરી શકશે. જો આપનું નામ આખરી મતદાર યાદીમાં ન હોય
તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી
આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન-ઓફ લાઇન અરજી કરી શકો છો. જો આખરી મતદાર
યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ફોર્મ નં.8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ
રાખીને ઓન લાઇન-ઓફ લાઇન અરજી કરી શકાય છે. આખરી મતદાર યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો
રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને
અરજી કરી શકાશે.