• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ઓલિમ્પિકના પ્રારંભે જ ફ્રાન્સમાં ટ્રેનો પર હુમલા

પેરિસ, તા. 26 : ઓલિમ્પિક રમતોત્સવ શરૂ થવાના થોડા કલાક પહેલાં જ પેરિસમાં ટ્રેન નેટવર્ક પર હુમલા થયા હતા, જેને પગલે અનેક રૂટની ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. ફ્રાન્સની રેલવે કંપની એસએનસીએફે જણાવ્યું હતું કે, હાઈસ્પીડ રેલ નેટવર્કને નબળું પાડવાના ઉદ્દેશ સાથે આગજની અને તોડફોડ સહિતના હુમલા કરાયા છે, જેને લીધે ટ્રેનોનું સંચાલન બંધ થઈ ગયું છે. લગભગ આઠ લાખ મુસાફર અલગ-અલગ સ્ટેશનો પર ફસાઈ ગયા હતા. વડાપ્રધાન ગ્રેબિયલ અટ્ટલે આ કૃત્યને ઓલિમ્પિકમાં વિઘ્ન નાખવાના ઇરાદે કરાયેલી હરકત ગણાવી હતી. એસએનસીએફે કહ્યું હતું કે, કાવતરાં હેઠળ કમ સે કમ ત્રણ સ્થળે ટ્રેનમાં તોડફોડ અને આગજનીની ઘટનાઓ બની છે અને તીવ્ર ગતિની ટ્રેનોના માર્ગ બદલવામાં આવી રહ્યા છે કે રદ્દ કરાયા છે. મીડિયા અહેવાલો મુજબ અનેક સ્થળે ટ્રેનોના પાટા પાસે તોડફોડ પણ કરવામાં આવી છે. પાટા ક્ષતિગ્રસ્ત થતાં ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. બ્રિટિશ ચેનલ મારફત ફ્રાન્સથી યુ.કે. જનારી યુરોસ્ટાર ટ્રેન પણ તોડફોડને કારણે અસરગ્રસ્ત બની છે. આ હુમલાને કારણે લગભગ આઠ લાખ યાત્રી ફસાયેલા છે. ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહના થોડા કલાક પૂર્વે જ ટ્રેનોમાં થયેલા હુમલાએ દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. ફ્રાન્સની સરકારે તેને અપરાધી કૃત્ય અને કાવતરું ગણાવ્યાં છે. પરિવહન મંત્રી પૈટ્રિસ વગ્રીટેએ આ ઘટનાઓની નિંદા કરી છે. રાત દરમ્યાન એક સાથે અનેક ટ્રેનોને નિશાન બનાવવામાં આવી હતી. એસએનસીએફે લોકોને ટ્રેન સ્ટેશનોથી દૂર રહેવાની સલાહ આપી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang