• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

લોકસભામાં પંજાબના બે સાંસદ વચ્ચે જીભાજોડી

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 25 : લોકસભામાં આજે બજેટ પર ચર્ચા દરમિયાન પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન અને જલંધરના કોંગ્રેસી સાંસદ ચરણજીત સિંહ ચન્ની અને લુધિયાણાના ભાજપના સાંસદ રવનીતસિંહ બિટ્ટુ વચ્ચે જોરદાર વ્યક્તિગત આક્ષેપબાજી થઈ હતી. ધમાલ વચ્ચે લોકસભા બેવાર મુલતવી રાખવી પડી હતી.  ચર્ચા દરમિયાન ચરણજીત સિંહ ચન્નીએ અઘોષિત કટોકટી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલો ર્ક્યો અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની જેલમાં નજરકેદની સરખામણી કટોકટીની સ્થિતિ સાથે કરી છે. તેમનું આ નિવેદન સંભવત મોટા વિવાદનું કારણ બની શકે છે. ભાજપ દ્વારા ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન લાદવામાં આવેલી કટોકટીનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવતાં ચન્નીએ કહ્યું કે, તેઓ દરરોજ કટોકટી વિશે વાત કરે છે, પરંતુ આજે દેશમાં અઘોષિત કટોકટી છે એનું શું ? પંજાબમાં એક જાણીતા ગાયકની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. એ સિદ્ધુ મૂસેવાલાના પરિવારને હજી સુધી ન્યાય મળ્યો નથી, એ પણ કટોકટી છે. મણિપુર હિંસા, હાથરસ બળાત્કાર કેસ, વિરોધ પ્રદર્શન કરી રહેલાં મહિલા પહેલવાનો સામે હિંસાનો સહારો લેવો, એ પણ કટોકટી છે. એક વ્યક્તિ જેને પંજાબના 20 લાખ લોકોએ સાંસદ તરીકે ચૂંટી કાઢી છે, એ એનએસએ હેઠળ જેલમાં છે. એ પોતાના મતવિસ્તારના લોકોની વાત અહીં રજૂ કરી શકતા નથી, એ પણ કટોકટી છે. તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને જેલમાં બંધ લોકપ્રતિનિધિને સંસદમાં ભાગ લેવાની પરવાનગી હોવી જોઈએ, એવું તેમણે કહ્યું. જેલમાં બંધ શીખ કટ્ટરપંથી અમૃતપાલ સિંહને પેરોલ આપી લોકસભાના સાંસદ તરીકે શપથ લેવા માટે આસામની જેલમાંથી દિલ્હી લવાયા હતા. અમૃતપાલ સિંહે પાંચમી જુલાઈએ સાંસદ તરીકે શપથ લીધા હતા. ચરણસિંહ સિંહ ચન્નીના વકતવ્યથી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા રવનીત સિંહ બિટ્ટુ તરફથી પણ વાક્યુદ્ધ શરૂ થયું હતું. રેલવે અને ફૂડ પ્રોસેસિંગ ખાતાના પ્રધાન રવનીત સિંહ બિટ્ટુએ ખેડૂતો પર એનએસએ લગાડવા અંગેના ચન્નીના નિવેદનની ટીકા કરી. તેમણે કહ્યું કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની આવી ભાષા અશોભનીય છે. કારણ કે, એ ખેડૂતોની સરખામણી દેશદ્રોહીઓ સાથે કરે છે અને એ દેશ અને આંતરરાષ્ટ્રીય સમાજ, બંનેને ગેરમાર્ગે દોરી શકે છે. કોંગ્રેસ સાંસદ ચન્નીએ પાર્ટીના ભૂતપૂર્વ સહયોગી રવનીત સિંહ પર વ્યક્તગિત ટીકા કરતાં મામલો વધુ બિચક્યો હતો. રવનીત સિંહને ઉદ્દેશીને તેમણે કહ્યું કે, `તમારા દિવંગત દાદા શહીદ હતા, પરંતુ વાસ્તવમાં જે દિવસે તમે ભાજપમાં જોડાયા એ દિવસે તેમનું મૃત્યુ થયું.' રવનીત સિંહ બિટ્ટુના દાદા, કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બિયંત સિંહ 1995ની 31મી ઓગસ્ટે ચંડીગઢમાં સચિવાલય પરિસરમાં થયેલા આત્મઘાતી બોમ્બ ધડાકામાં મૃત્યુ પામ્યા હતા. ચન્નીના વ્યક્તિગત હુમલાથી ગુસ્સે ભરાયેલા રવનીત સિંહે કહ્યું કે, મારે જવાબ આપવો પડશે કારણે કે, તેમણે મારા દાદાનું નામ લીધું છે. મારા દાદાએ કોંગ્રેસ માટે નહીં પણ દેશ માટે પોતાનો જીવ આપ્યો હતો. તેમણે કહ્યું કે ચરણજીત સિંહ ચન્ની સાબિત કરી દે કે તેઓ ગરીબ છે તો હું પોતાનું નામ બદલી નાખીશ. કોંગ્રેસના સાંસદ ચન્ની પાસે પંજાબમાં સૌથી વધુ સંપત્તિ અને સંસાધનો છે. તેઓ પંજાબના સૌથી ભ્રષ્ટ નેતા છે. ત્વચાના રંગ અંગેની ચન્નીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું કે, એમ લાગે છે કે તેઓ સોનિયા ગાંધીની વાત કરી રહ્યા હતા... પહેલાં એ જણાવો કે સોનિયા ગાંધી ક્યાંના છે ? એ પછી કોંગ્રેસના સાંસદો વેલમાં ધસી આવતાં લોકસભામાં ધાંધલ મચી ગઈ હતી. રવનીત સિંહ બિટ્ટુએ પણ વેલમાં જવાનો પ્રયાસ ર્ક્યો હતો, પરંતુ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમને અટકાવ્યા હતા અને શાંત રહેવા જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024