• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

મોદીની સલાહ પુતિનને અસર નહીં કરે !

નવી દિલ્હી, તા. 10 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ મોદીની આ પ્રથમ રશિયાની મુલાકાત હતી, જેના પર સમગ્ર વિશ્વની નજર હતી. પીએમ મોદીની આ મુલાકાત પર પશ્ચિમી મીડિયાની પણ નજર હતી. અમેરિકન અખબાર `ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'એ લખ્યું છે કે, મોદીની મોસ્કો મુલાકાતે પુતિનને અલગ કરવાના પ્રયાસોને નબળા પાડયા છે. આ સાથે જ યુક્રેનની નારાજગી આ કારણે વધી છે. બ્રિટિશ અખબાર `ધ ગાર્ડિયન'એ લખ્યું છે કે, સોમવારે રાત્રે થયેલી વાતચીતમાં પીએમ મોદીએ પુતિનને સલાહ આપી હતી કે, યુદ્ધનાં મેદાનથી શાંતિનો માર્ગ નીકળતો નથી, પરંતુ તેમ છતાં એવું નથી લાગતું કે, મોદીના શબ્દોની પુતિન પર કોઈ અસર પડશે. બીબીસીએ લખ્યું છે કે, ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ મોદીની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. મોસ્કોની તસવીરોમાં મોદી પુતિનને ભેટતા જોવા મળે છે. ભારતમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં પુતિન હસતાં-હસતાં મોદીને તેમના `સૌથી પ્રિય મિત્ર' કહી રહ્યા છે. વોઈસ ઓફ અમેરિકાએ કાલિંગા ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડો પેસિફિક સ્ટડીઝના સ્થાપક ચિંતામણિ મહાપાત્રાને ટાંકીને લખ્યું છે કે, આ મુલાકાત દ્વારા મોદી એ સંદેશ આપવા માગે છે કે, ભારત-રશિયા સંબંધો મહત્ત્વપૂર્ણ છે અને રશિયા-ચીન વચ્ચે વધતી જતી નિકટતા મહત્ત્વપૂર્ણ છે, પરંતુ કોઈ અસર થશે નહીં. ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે, પશ્ચિમી દેશો રશિયા સાથે ભારતના ગાઢ બનેલા સંબંધોને લઈને વધુ ચિંતિત જણાય છે. સિચુઆન ઇન્ટરનેશનલ સ્ટડીઝ યુનિવર્સિટીના પ્રોફેસર લોંગ જિંગચુને અખબારમાં લખ્યું છે કે, ચીન રશિયા-ભારતના નજીકના સંબંધોને ખતરા તરીકે જોતું નથી, જ્યારે પશ્ચિમી દેશો ભારતના રશિયા સાથેના સંબંધોથી નાખુશ દેખાય છે. અમેરિકન અખબાર વાશિંગ્ટન પોસ્ટે પીએમ મોદીની મોસ્કો મુલાકાત પર લખ્યું છે કે, યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ આ મુલાકાત સ્પષ્ટ સંકેત આપે છે કે, અમેરિકન દબાણ છતાં ભારત રશિયા સાથે પોતાના મજબૂત સંબંધો જાળવી રાખશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang