• બુધવાર, 31 મે, 2023

વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત બાદ મેઘપર (બો)ના બે અન્ડરબ્રિજનું કામ હજુ સુધી શરૂ ન થયું !

અંજાર, તા. 26 : તાલુકાના મેઘપર? બોરીચીની અનેક વસાહતોને આદિપુર ગાંધીધામ સાથે જોડતા બે રેલવે અન્ડરબ્રિજના પ્રકલ્પનું ઈ-ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું. આ કાર્યક્રમને મહિનાઓ વીતવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી બ્રિજ નિર્માણ માટે ઊડીને આંખે વળગે તેવી કોઈ હિલચાલ ન કરાતાં લોકોમાં નારાજગી પ્રસરી છે. જમીન સંપાદનના પ્રશ્ને કામ ઘોંચમાં મુકાયું હોવાના અહેવાલ સાંપડયા હતા. આદિપુર ટીમ્સ કોલેજ પાસે આવેલો લીલાશાહ ફાટક અને  આદિપુર રેલવે સ્ટેશનના નજીક આવેલો જુમાપીર ફાટક વારંવાર લાંબા સમય સુધી બંધ રહેવાથી અનેક વાહનચાલકોના સમયનો વ્યય થાય છે. ફાટક ખુલ્યા બાદ સર્જાતી ટ્રાફિક સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. વખતોવખતની રજૂઆતથી સરકારે પ્રજાકીય પ્રશ્ન ઉકેલવા હિમાયત હાથ ધરી અહીં અન્ડરબ્રિજ બાંધવા માટે માતબર રકમ ફાળવી  હતી.સંભવત: ગત ઓગસ્ટ મહિનામાં ભુજમાં સ્મૃતિવન લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે  આવ્યા હતા. આ વેળાએ મેઘપર (બોરીચી)ના બે અન્ડરબ્રિજના ખાતમુહૂર્તનો સમાવેશ કરાયો હતો. મહિનાઓ બાદ પણ આ સ્થળે અન્ડરબ્રિજ માટે કોઈ ગતિવિધિ ધ્યાને આવતી નથી. વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરાયેલા પ્રકલ્પો તંત્ર દ્વારા સમયસર શરૂ ન થતા હોય તો અન્ય કામોની શું અપેક્ષા રાખવી, તેવો ગણગણાટ આ વિસ્તારના લોકોમાં ઊઠયો છે.અન્ડરબ્રિજ બાંધવા માટે જરૂરી જમીન સંપાદનના તબક્કે આ કાર્ય ગૂંચવાયું હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. મેઘપરના પૂર્વ સરપંચ ભોજુભાઈ બોરીચા તથા સ્થાનિકોએ રાજ્યના પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી હતી. જેને પગલે શ્રી આહીરે નાયબ કલેક્ટર સહિતના સંબંધિત અધિકારીઓને  પ્રજાકીય મુશ્કેલી નિવારવા આ પ્રકલ્પ ઝડપભેર શરૂ કરી પૂર્ણ કરવા માટે અનુરોધ કર્યો હતો. નોંધપાત્ર છે કે, લીલાશાહ ફાટક ગણતરીની મિનિટોમાં બંધ થાય છે. કાયમી શિરદર્દ રૂપ સમસ્યા ઉકેલવા માટે અનેક સોસાયટીઓનાં સંગઠનોને ઉગ્ર રજૂઆત કરવાની ફરજ પડી હતી. ગતિશીલ સરકારની ગતિ મંદ પડી હોવાથી કામ થતું ન હોવાની ચર્ચા લોકોમાં ઊઠી હતી.