ગાંધીધામ, તા. 14 : વાગડ પંથકમાં છેલ્લા લાંબા
સમયથી તસ્કરો દ્વારા ધાર્મિક સ્થાનકોને નિશાન
બનાવવામાં આવે છે, તેવામાં વધુ
એક વખત રાપર તાલુકાના ખીરઈ ગામનાં મંદિરમાંથી
તસ્કરો રૂા. 22900ની માલમતાની
ચોરી કરી ગયા હતા. આ બનાવને લઈને આસ્થાળુઓમાં રોષની લાગણી પ્રસરી હતી. ખીરઈના અંબાજી
માતાજીનાં મંદિરમાં ગઈકાલે રાત્રે એકથી બે વાગ્યા સુધીના અરસામાં ચોરીની બનાવ બન્યો
હતો. ત્રણ અજાણ્યા શખ્સો મંદિરનું તાળું તોડીને
અંદર પ્રવેશ્યા હતા. હરામખોરો અહીંથી પાણીનો લોટો કિં. રૂા.300, અંબાજી માતાજીની મૂર્તિ ઉપરથી
સોનાનો ચડાવેલો હાર, બુટ્ટી અને
બંગડી કિં. રૂા.ચાર હજાર, પંચધાતુની રાધાકૃષ્ણની નાની મૂર્તિ
રૂા. એક હજાર, પિત્તળનું ત્રિશૂળ કિં. રૂા. 300, પિત્તળનો કળશ કિં. રૂા. 300, પંચધાતુનું છત્તર આશરે દોઢ
કિ. ગ્રામ કિં. રૂા. બે હજાર, નાના
ચાંદીના છત્તર નંગ 3 કિં. રૂા.
15 હજાર સાથે કુલ રૂા. 22900નો મુદ્દામાલ તફડાવી ગયા હતા. મંદિર ચોરીનો ઘટનાક્રમે સી.સી.ટી.વી. કેમેરામાં
કેદ થયો હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે. મંદિરમાં સેવાપૂજા કરતા સામાભાઈ ગોવિંદભાઈ બેરાની ફરિયાદના આધારે પોલીસે
આ ગુનામાં સામેલ આરોપીને ઝડપી પાડવા સહિતની
દિશામાં ચક્રો ગતિમાન કરીને વધુ તપાસ હાથ ધરી છે.