• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

લુણવામાં નવનિર્મિત માધ્યમિક શાળાનું કરાયું લોકાર્પણ

ભચાઉ, તા. 14 : તાલુકાના લુણવા ગામમાં નવનિર્મિત સરકારી માધ્યમિક શાળા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું  હતું. રાજ્યના શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજાના હસ્તે આ અદ્યતન બિલ્ડિંગ ખુલ્લું મુકાયું હતું.  આધુનિક ડિજિટલ વર્ગખંડો, કમ્પ્યુટર લેબ, વિશાળ પ્રોગ્રામ હોલ, રમતગમતનાં સાધનો તેમજ યોગ અને પ્રાણાયામ માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, તાલુકા પંચાયત પ્રમુખ દેવીબેન ચાવડા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, આહીર સમાજના ભચાઉ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ, માજી પ્રમુખ ભરતાસિંહ જાડેજા, એપીએમસી ભચાઉ પ્રમુખ વાઘુભા જાડેજા, કાનાભાઈ આહીર, વિકાસભાઈ રાજગોર અને લુણવા ગામના સરપંચ ભૂરાભાઈ આહીર સહિત આસપાસના વિસ્તારોના સરપંચો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળા વહીવટીતંત્ર વિદ્યાર્થીઓને નિયમિત શિષ્યવૃત્તિ અને દીકરીઓને સાઈકલ સુવિધા સહિત સરકારની તમામ પ્રોત્સાહક યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા સતત સક્રિય રહે છે. ગુજરાત સરકારની કન્યા કેળવણી પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે લુણવા શાળા દ્વારા ગ્રામીણ વિસ્તારોની દીકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. શાળામાં તમામ વિષયોના નિષ્ણાત શિક્ષકો દ્વારા બાળકોને સંપૂર્ણ અભ્યાસક્રમ ચલાવી તેનું પુનરાવર્તન કરાવાય છે, વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે પણ તૈયાર કરવામાં આવે છે, તાલુકા મહોત્સવ, વિજ્ઞાન પ્રદર્શન અને ખેલ મહોત્સવ જેવા કાર્યક્રમોમાં લુણવા માધ્યમિક શાળા નિયમિતપણે ભાગ લે છે અને વિજેતા પણ બને છે, શાળાનું માધ્યમિક બોર્ડનું પરિણામ પણ હંમેશા ઊંચું રહ્યું છે, બાળકોને પર્યાવરણ સંરક્ષણ અને ઇકો-ફ્રેન્ડલી પ્રવૃત્તિઓ અંગે પણ જાગૃત કરવામાં આવે છે. આગામી સમયમાં લુણવા માધ્યમિક શાળામાં ધોરણ 11 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવે, તો આ શાળા આસપાસનાં ગામો માટે શિક્ષણનું મોટું કેન્દ્ર બની શકે છે. કાર્યક્રમનું સંચાલન શિક્ષક જયેશભાઈ શિયારે કર્યું હતું, જ્યારે આભારવિધિ શિક્ષિકા મિત્તલબેન ચૌધરીએ અને  આચાર્ય નિકુલભાઈ સુથારે કરી હતી.  

Panchang

dd