ઢાકા, તા. 14 : સામાન્ય ચૂંટણીમાં જીત બાદ
પહેલીવાર પત્રકારો સાથે વાત કરતાં બાંગલાદેશ નેશનલ પાર્ટી (બીએનપી)ના અધ્યક્ષ તારીક
રહેમાને શનિવારે ભારત સાથે સંબંધો પર કહ્યું હતું કે, અમે બાંગલાદેશનાં હિતોને સૌથી ઉપર રાખશું. `ખાલિદાપુત્ર'એ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારતથી પાછાં
લાવવા અંગે જણાવ્યું હતું કે, એ સંપૂર્ણપણે કાનૂની પ્રક્રિયા
પર આધાર રાખે છે. ચીનને બાંગલાદશેના વિકાસમાં સહયોગી લેખાવતાં રહેમાને કહ્યું હતું
કે, ચીન સાથે મળીને કામ કરતા રહેશું તેવી આશા છે. બે બેઠકો પરથી
ચૂંટણી લડીને જીતનાર તારીકે કહ્યું હતું કે, `સાર્ક'ની શરૂઆત બાંગલાદેશે કરી હતી. અમે આ સંગઠનને પુન: ધબકતું કરવા માગીએ છીએ. સરકાર બન્યા બાદ બીજા દેશો સાથે વાત કરીશું અને
ફરી એકવાર `સાર્ક'ને સક્રિય કરવાની દિશામાં પ્રયાસો કરીશું. લગભગ 17 વર્ષ સુધી દેશથી બહાર રહેલા
રહેમાને જણાવ્યું હતું કે, દોઢ દાયકા
બાદ દેશની જનતાએ એક જવાબદાર સરકાર ચૂંટી છે. નબળી અર્થવ્યવસ્થા, નબળું બંધારણ, ખરાબ કાયદો-વ્યવસ્થા જેવા પડકારોનો સામનો
કરવામાં સાથ આપવા તેમણે દેશની જનતાને અપીલ કરી હતી.