કોલકાતા, તા. 14 : આઈસીસી પુરુષ ટી-20 વિશ્વકપ 2026ના ગ્રુપ-સીમાં કોલકાતાના ઐતિહાસિક
ઈડન ગાર્ડન્સમાં ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે કરો યા મરો જેવી મેચ રમાઇ હતી, જેમાં ઈંગ્લેન્ડની ટીમે સ્કોટલેન્ડને પાંચ વિકેટે
હરાવીને સુપર-8 માટે સ્થિતિ
મજબૂત કરી લીધી છે. જ્યારે સ્કોટલેન્ડ માટે હવે સુપર-8મા જવા માટેની સંભાવના ખૂબ ઓછી છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય
કર્યો હતો. સ્કોટલેન્ડે 152 રન કર્યા
હતા, જેમાં કેપ્ટન રિચી બેરિંગટને સર્વાધિક 49 રન કર્યા હતા. જ્યારે માઈકલ
જોન્સે 33 રનનું યોગદાન આપ્યું હતું.
ઈંગ્લેન્ડ માટે આદિલ રાશિદ સૌથી સફળ બોલર રહ્યો હતો. જેણે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે જોફ્રા આર્ચર અને લિયામ ડોસનને બે-બે
વિકેટ મળી હતી. 153 રનના લક્ષ્યનો
પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત ધીમી રહી હતી અને માત્ર 13 રને બન્ને ઓપનિંગ ખેલાડી ફિલ
સોલ્ટ (બે) અને જોસ બટલર (ત્રણ) ગુમાવી દીધા હતા. બાદમાં ટોમ બેંટને શાનદાર બેટિંગ
કરતા 41 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ
છગ્ગાની મદદથી નોટઆઉટ 63 રન કર્યા
હતા. બેંટનને જેકબ બેથલ (32 રન) અને સેમ
કુરેન (28 રન)નો સારો સહયોગ મળ્યો હતો.
ઈંગ્લેન્ડે 18.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને
લક્ષ્ય આંબી લીધું હતું.