ગુવાહાટી, તા. 14 : આસામની મુલાકાતે આવેલા વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા અને તેના પર પૂર્વોત્તરની અવગણના
કરવાનો આરોપ લગાવ્યો હતો. આસામના ગુવાહાટીમાં એક સભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને
જણાવ્યું હતું કે, એનડીએ સરકાર
ઉત્તરપૂર્વને પોતાની અષ્ટલક્ષ્મી માને છે. આસામમાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવા
પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મોદીએ રૂા. 5450 કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં કુમાર ભાસ્કર વર્મા પુલ, આઈઆઈએમ-ગુવાહાટીમાં અસ્થાયી કેમ્પસ, નેશનલ ડેટા સેન્ટર
સામેલ છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ જે પૂર્વોત્તરની
અવગણના કરી છે તે અમારી પ્રાથમિકતા છે અને અમે તેના વિકાસ માટે સમર્પિત છીએ. અમારા
માટે પૂર્વોત્તર અમારી અષ્ટલક્ષ્મી છે. અમે પૂર્વોત્તરને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા
પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ
ભારતને એક દેશ તરીકે માન્યતા આપવાનો ઇન્કાર કરે છે. જે લોકો ભારતમાતા પ્રત્યે આદર બતાવતા
નથી તેઓ ક્યારેય દેશ માટે કામ કરી શકતા નથી. મોદીએ પુલવામામાં શહીદ થયેલા સુરક્ષા કર્મચારીઓને
પણ શ્રદ્ધાંજલિ આપી કહ્યું હતું કે, `આજે પુલવામા હુમલાની વર્ષગાંઠ છે. હું ભારતમાતાના તે બહાદુર
સૈનિકોને સલામ કરું છું. આ હુમલા પછી ભારતે આતંકવાદીઓને જે રીતે સજા આપી તે આખા દેશે
જોયું છે. કેટલાક લોકો હજુ પણ ધ્રૂજી રહ્યા છે. ઓપરેશન સિંદૂરમાં ભારતની તાકાત જોઈ
છે.'