મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 14 : ઝિમ્બાબ્વે ખાતે અન્ડર - 19 ક્રિકેટ વિશ્વકપમાં ઈંગ્લેન્ડને
100 રનથી હરાવી ચેમ્પિયન બનનાર
ભારતીય ટીમમાં રહેલા ગાંધીધામના હરવંશસિંઘ પંગલિયા ભારતીય સિનિયર ટીમમાં સામેલ થઈ ભારતને
વર્લ્ડકપ જીતાડવાનું લક્ષ્ય સેવી રહ્યો છે. અન્ડર-19 ક્રિકેટ વિશ્વકપમાં ભારતની ટીમ વતી રમી ગાંધીધામના હરવંશસિંઘે
કચ્છ, ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ યુવાને કચ્છમિત્રને
મુલાકાત આપતાં જણાવ્યું હતું કે, હું નાનો હતો, ત્યારે મારા ઘરમાં મારા પિતા હરિસિંઘ મને ઘરે ક્રિકેટ શીખવાડતા હતા. બાદમાં હું કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ
ક્રિકેટ એસોસીએસનમાં જોડાયો હતો. ક્રિકેટની શરૂઆત મેં ત્યાંથી કરી હતી. ગાંધીધામના
રમતગમત સંકુલમાં સવારથી મોડી સાંજ સુધી ક્રિકેટની પ્રેક્ટિસ અમે કરતા હતા. ત્યારના
અમારા કોચ તથા ડી.પી.એસ.ના ચંદ્રશેખર અયાચી, નકુલ અયાચી અને શાળાના
પ્રિન્સિપાલ સુબોધ થપલિયાલની મારી પાછળની મહેનત, સતત શીખાડતા
રહેવુંનાં કારણે હું અન્ડર-19 ક્રિકેટ વિશ્વકપ માટે પસંદગી પામ્યો હતો. - ફાઇનલ જીત્યા બાદ ડ્રેસિંગરૂમમાં
નાચગાન સાથે જશ્ન મનાવ્યો હતો : ઝિમ્બાબ્વેના હરારે ખાતે ઈંગ્લેન્ડની ટીમને
હરાવ્યા બાદ બધા ખેલાડીઓ ડ્રેસિંગરૂમમાં પહોંચ્યા હતા. ડ્રેસિંગરૂમમાં ફોન લઈ જવા પર
પાબંધી હોય છે, પરંતુ જીતનાં પગલે અમે
કોચ વગેરેને રજૂઆત કરતાં મોબાઈલ લઇ જવા દેવાયા હતા, ત્યારે અમે
સ્પીકર ચાલુ કરીને નાચગાન કરી જીતના જશ્નને મનાવ્યો હતો. ડ્રેસિંગરૂમમાં અમે જીતના
વીડિયો પણ બનાવ્યા હતા. - ભારતીય કપ્તાને ટીમને દોરામાં
મોતીની જેમ સાંકળી રાખ્યા હતા : અન્ડર-19 ક્રિકેટ ભારતીય
ટીમના કપ્તાન આયુશ મ્હાત્રેએ ટીમને દોરામાં
મોતીની જેમ સાંકળી રાખી કોણ કેવું રમે છે તે
પ્રમાણે નિર્ણય લીધા હતા. - શાંત સ્વભાવનો સૂર્યવંશી મેદાનમાં વિસ્ફોટક બની જાય છે : અન્ડર-19 ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર
ખેલાડી વૈભવ સૂર્યવંશી આમ સ્વભાવથી ખૂબ શાંત છે,
અમે એને ખાસ કરીને હું તેની નજીક મસ્તી કરતો, ત્યારે
તે કયારેય ચીડાયો નથી. ક્યારેય ખોટું નથી લગાડયું, પરંતુ આ જ
વૈભવ જ્યારે મેદાનમાં ઊતરે છે ત્યારે બેટથી વિસ્ફોટક બની જાય છે. તેના જેવી બેટિંગ
મેં આજ સુધી નથી જોઈ. - ટીમમાં સામેલ, પણ રમવાનો વધુ મોકો ન મળવો અફસોસ : ભારત અન્ડર-19 ટીમમાં સામેલ હરવંશે વિશ્વકપની
શરૂઆતની ફક્ત બે મેચો રમી શકયો હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. એક મેચમાં બેટિંગ નહોતી
આવી, જ્યારે બીજી મેચમાં બેટિંગ ઉપર હાથ અજમાવ્યો
હોવાનું તેણે કહ્યું હતું. શા માટે વધુ મોકા ન મળ્યા તેવા પ્રશ્નના જવાબમાં તે જણાવે
છે કે, કોચ ઉપર નિર્ભર કરે છે. તેમનો નિર્ણય હોય છે, આપણે મહેનત કરતા રહેશું, તો આગામી સમયમાં મોકા ચોક્કસ
મળશે. - હાલમાં ચાલી રહેલી ટી-20 ચોક્કસ ભારત જીતશે : હાલમાં ચાલી
રહેલી ટી-20 વિશ્વકપમાં કોણ જીતશેના જવાબમાં
તેણે ઉન્સાદપૂર્વક ચોક્કસ ભારત જ જીતશે તેવું કહ્યું હતું. અંતિમ ચાર ટીમમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ
અને સાઉથ આફ્રિકા પહોંચશે જેમાં ભારત બાજી મારી જશે, તેવો વિશ્વાસ
વ્યકત કર્યો હતો. - કચ્છમાં કચ્છમિત્ર
ટ્રોફી ન રમી શક્યો તેનો વસવસો : કચ્છમાં ક્રિકેટ રમતા તમામ ખેલાડીઓ માટે કચ્છમિત્ર ટ્રોફી એક
પ્લેટફોર્મ છે. અહીંથી ખેલાડીઓને ખબર પડે છે કે સામેવાળી ટીમને કેવી રીતે હરાવી શકાય
છે. એક અનુભવ મળે છે, પણ પોતે આ ટૂર્નામેન્ટ ન રમી શકયો
હોવાનો તેણે વસવસો વ્યકત કર્યો હતો. એક સમયે તે આ ટૂર્નામેન્ટમાં રમવા ગયો હતો અને
બીજી વખતે ઉંમર મોટી થઇ ગઇ હતી. - કચ્છના ખેલાડીઓ શિસ્તમાં રહીને દરરોજ પ્રેક્ટિસ કરે : કચ્છમાં જુદી
- જુદી જગ્યાએ રમતા, ઊભરતા ખેલાડીઓ
શિસ્તમાં રહીને દરરોજ પ્રેક્ટિસ કરતા રહે. દરરોજ યોગ્ય પ્લાન, નીતિ ઘડીને મેદાનમાં ઊતરવું. ક્રિકેટને માણો તેને ભાર ન માનો. આવી રીતે રમનાર ખેલાડીઓ માટે ભવિષ્યના દરવાજા
ખુલ્લા છે.