ભુજ, તા. 14 : 2012માં કચ્છમાં સીધી ભરતીથી નાયબ
મામલતદાર તરીકે પસંદ થયેલા મૂળ ત્રણ કચ્છી સહિત પાંચ જણને મામલતદાર તરીકે બઢતી આપી
વિવિધ જગ્યાએ બદલવામાં આવ્યા છે, તો બે
નાયબ મામલતદારને કચ્છમાં મામલતદારની બઢતી સાથે મૂકવામાં આવ્યા છે. મૂળ કચ્છના વરસામેડીના
વૈભવ વ્યાસને મામલતદાર તરીકે બઢતી આપી મુંદરા નગરપાલિકાના મુખ્ય અધિકારી તરીકે પ્રતિનિયુક્તિ
પર મૂકવામાં આવ્યા છે. વૈભવ વ્યાસ ભુજ કલેકટર કચેરીમાં અત્યારે પણ મહત્ત્વની અપીલ શાખામાં
નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. તેઓની સારી કામગીરીને ધ્યાને લઈ કાયદો - વ્યવસ્થા
જેવી અગાઉ પણ જવાબદારી સોંપવામાં આવી હતી. એવી જ રીતે અન્ય કચ્છી એવા પુલીન ઠાકર જે
વર્ષોથી કલેકટર કચેરીમાં ચૂંટણી શાખામાં ના.મા.ની કામગીરી સંભાળતા આવે છે તેમને બઢતી
આપી મોરબી જિલ્લામાં ચૂંટણી શાખામાં મામલતદાર બનાવાયા છે. મૂળ રાપરના રામસિંહ બારીને
વાવ-થરાદ જિલ્લામાં ધરણીધર ખાતે મામલતદાર બનાવવામાં આવ્યા છે.
તો કચ્છના ચૂંટણી શાખામાં વર્ષોથી અનુભવ ધરાવતા પી. જી. સોલંકીને પણ મામલતદારની
બઢતી અપાઈ છે. તેમને સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ મામલતદાર તરીકે બદલવામાં આવ્યા છે.
ભાવેશ ધનાણીને મજૂરા સુરત ખાતે મામલતદાર બનાવાયા છે. એવી જ રીતે કચ્છમાંથી થોડા સમય પહેલાં દિયોદર મામલતદાર તરીકે મૂકવામાં આવેલા
અરવિંદકુમાર નિનામાને અબડાસામાં મામલતદાર તરીકે બદલવામાં આવ્યા છે. જ્યારે ભચાઉ નગરપાલિકામાં મુખ્ય અધિકારી તરીકે દેવભૂમિ
દ્વારકાથી અનિરુદ્ધસિંહ ઝાલાને પ્રતિનિયુક્તિથી મૂકવામાં આવ્યા છે.