• મંગળવાર, 25 જૂન, 2024

મોદી સરકારનું પહેલું પગલું કિસાન-ગરીબોના હિતમાં

નવી દિલ્હી, તા. 10 : લગાતાર ત્રીજી વખત શપથ લીધાના 16 કલાકમાં સોમવારથી સક્રિય બની ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યાલયમાં ચાર્જ સંભાળી લીધો હતો. સૌથી પહેલી સહી કિસાન સન્માનનિધિની ફાઈલ પર કરતાં 20 હજાર કરોડનો 17મો હપ્તો મોદીએ જારી કર્યો હતો. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)માં પહોંચતાં તમામ કર્મચારીઓએ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું અને પછી નમો તરત કામે લાગી ગયા હતા. ત્રીજા કાર્યકાળના પોતાના પ્રથમ ફેંસલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાનનિધિના 20 હજાર કરોડ રૂપિયા જારી કર્યા હતા. પગલાંથી દેશના 93 કરોડ કિસાનોને ફાયદો થશે, તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. મોદીની 3.0 સરકાર હજુ કિસાનો અને કૃષિ માટે ઘણા કામો કરશે, તેવું તેમણે જણાવ્યું હતું. મોદી 3.0 સરકારનો પહેલો નિર્ણય દેશના કરોડો ખેડૂતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે. દરમિયાન પીએમએ કહ્યું કે, અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ. કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરતા રહીશું. અગાઉ, પીએમ કિસાન યોજના હેઠળ, 16મા હપ્તાનાં નાણાં દેશના કરોડો ખેડૂતોનાં બેંક ખાતાંમાં 28 ફેબ્રુઆરીના જમા કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે 71 મંત્રીએ શપથ લીધા, જેમાંથી 11 સાથી પક્ષના છે. - ગરીબો માટે બંધાશે ત્રણ કરોડ નવા ઘર : નવી દિલ્હી, તા. 10 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નવાં કેન્દ્રીય મંત્રીમંડળ (કેબિનેટ)ની સોમવારે યોજાયેલી પહેલી બેઠકમાં ગરીબો માટે ત્રણ કરોડ નવાં ઘર બનાવવાનાં કામને મંજૂરી અપાઇ હતી. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ દેશનાં ગામડાંઓ તેમજ શહેરોમાં બનનારાં ઘરોમાં વીજળી, પાણી, શૌચાલય સાથે ગેસ જોડાણ જેવી સુવિધાઓ હશે.શપથ લીધાના 16 કલાકમાં કામે લાગી ગયેલા વડાપ્રધાન મોદીએ તેમના કાર્યાલયના  કર્મચારીઓને પૂછ્યું હતું કે, આપણે સૌ આપણી કામગીરીને બહેતર - ઝડપી અને સારાં સ્તરની કેમ બનાવી શકીએ, તે કહો. હું અટકવા માટે પેદા નથી થયો. હવે હું નવી ઊર્જા, નવા સાહસ સાથે આગળ વધવા માગું છું, તેવું મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, ચૂંટણીનાં પરિણામો મોદીના ભાષણ પર મોહર નથી, પરંતુ દરેક કર્મચારીની 10 વર્ષની મહેનત પર મોહર છે. ખરા અર્થમાં ભારત સરકારના દરેક કર્મચારી વિજયના હક્કદાર છે, 140 કરોડ દેશવાસીઓએ આપણા સહિયારા પ્રયાસો પર મોહર લગાવી છે, તેવું કર્મચારીઓને સંબોધતાં મોદીએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang