• રવિવાર, 16 જૂન, 2024

લાયસન્સ ટેસ્ટ માટે આરટીઓ થશે ભૂતકાળ

નવી દિલ્હી, તા. 22 : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે નવા નિયમોની ઘોષણા કરી દીધી છે. જેના હેઠળ પહેલી જૂનથી આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટની જરૂર રહેશે નહીં.  વાહન લાયસન્સ માટેની ટેસ્ટ હવેથી ખાનગી કેન્દ્રોમાં લેવાશે. નવા નિયમો હેઠળ આવેદનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. પર્યાવરણ અને લોકોની સુરક્ષાને ધ્યાને લઈને દંડની રકમ તેમજ ફીમાં બદલાવ કરવામાં આવ્યો છે. - ક્યાં દેવાની ડ્રાઇવિંગ ટેસ્ટ ? : ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે પહેલી જૂન 2024થી આરટીઓને બદલે પ્રાઇવેટ ડ્રાઇવિંગ પ્રશિક્ષણ કેન્દ્રોમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે. ટ્રેનિંગ સેન્ટરને ટેસ્ટ ઓર્ગેનાઇઝેશન અને સર્ટિફિકેટ જારી કરવાનો અધિકાર રહેશે. - પ્રદૂષણને લઈને નવા નિયમ : ગાડીઓથી થનારા ગેસ અને પ્રદૂષણનાં ઉત્સર્જનને ઘટાડવા માટે પણ સરકારે દિશાનિર્દેશો જારી કર્યા છે. જેમાં 9,00,000 જૂનાં સરકારી વાહનોને તબક્કાવાર હટાવવા અને તેમાં બદલાવ સામેલ છે. - વાહનો હંકારતા સગીરો ઉપર દંડની જોગવાઈ : 1 જૂન, 2024થી નિર્ધારિત ગતિથી વધારે સ્પીડમાં ગાડી ચલાવવા ઉપર 1000થી 2000 રૂપિયા દંડ કરવામાં આવશે. જો કોઈપણ સગીર ગાડી ચલાવતા પકડાશે તો 25,000 રૂપિયા દંડની જોગવાઈ છે. ઉપરાંત સગીરનું લાયસન્સ 25 વર્ષ સુધી બની શકશે નહીં અને ગાડીના માલિકનું પણ રજિસ્ટ્રેશન કેન્સલ કરવાની જોગવાઈ છે. - લાયસન્સ બનાવવાની પ્રક્રિયા બની સરળ : દેશમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની પ્રક્રિયાને વધારે સરળ કરવામાં આવી છે. જેના હેઠળ હવે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન હેતુ લાયસન્સ બનાવવા માટે પહેલાંથી દસ્તાવેજો અંગે જાણકારી આપવામાં આવશે.  - આવેદનની પ્રક્રિયામાં કોઈ બદલાવ નહીં : ડ્રાઇવિંગ લાયસન્સ માટે આવેદનની પ્રક્રિયામાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. આવેદનકર્તા ઈચ્છે તો સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈ શકે છે. ઉપરાંત ઓફલાઇન આવેદન માટે નજીકની આરટીઓ ઓફિસની મુલાકાત લઈ શકે છે. - લાયસન્સ બનાવવા કેટલી ફી ભરવી પડશે ? : રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલ મુજબ લર્નિંગ લાયસન્સ જારી કરવા માટે ફોર્મ 3 સાથે 150 રૂપિયા ફી આપવી પડશે. લર્નર લાયસન્સ ટેસ્ટ અથટવા બીજી વખત ટેસ્ટની ફી 50 રૂપિયા રાખવામાં આવી છે. ડ્રાઇવિંગ ટેસ્ટ ફી 300 રૂપિયા અને લાયસન્સ જારી કરવાની ફી 200 રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાયસન્સની ફી 1000 રૂપિયા અને પરમિટમાં બીજાં વાહન જોડવા માટેની ફી 500 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. જૂના લાયસન્સને રિન્યૂ કરાવવા માટે 200 રૂપિયા અને લેટ ડેટ બાદ આવેદન કરવા બદલ 300 રૂપિયા પ્લસ 1000 રૂપિયા એક્સ્ટ્રા ફી ભરવી પડશે. લાયસન્સમાં જાણકારી ફેરવવા માટે 200 રૂપિયા ચાર્જ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang