• રવિવાર, 16 જૂન, 2024

પૂણે અકસ્માત : તરુણના જામીન રદ

પૂણે, તા. 22 : મહારાષ્ટ્રના પૂણેમાં રવિવારની મધરાત્રે સર્જાયેલા અકસ્માતમાં બે જણના જીવ ગયા હતા. દુર્ઘટના સર્જનારા સગીરવયના આરોપીને જુવેનાઈલ બોર્ડે 15 કલાકના ગાળામાં જામીન આપી દીધા બાદ મામલાની પોલીસે ગંભીરતા લઈને કરેલી અરજી પછી બોર્ડે  સગીર આરોપીની પૂછપરછ બાદ તેને પાંચ દિવસ સુધી સુધારગૃહમાં મોકલી દેવાયો છે. પોલીસે વયસ્કની જેમ કેસ ચલાવવાની માંગ કરી હતી. બીજી તરફ પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યું હતું કે, પબમાં પાર્ટી દરમિયાન આરોપીએ 90 મિનિટના ગાળામાં 48 હજારનું બિલ ચૂકવ્યું હતું. કેસમાં સગીર આરોપીના દાદા સુરેન્દ્ર અગ્રવાલનું અંડરવર્લ્ડ?ડોન છોટા રાજન સાથે પણ સંબંધો હોવાનું બહાર આવ્યું છે, જ્યારે ચકચારી કાર અકસ્માત મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. એક મીડિયા હેવાલ મુજબ, પોલીસે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેના જવાબમાં કોર્ટે બોર્ડ પાસે જવા નિર્દેશ આપ્યા હતા. બોર્ડે પોલીસની અરજી પર આરોપીને પૂછપરછ માટે બોલાવ્યા બાદ જામીન રદ કર્યા હતા અને પાંચ દિવસ સુધી સુધારગૃહમાં મોકલી દીધો હતો.પૂણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે, આરોપીએ 18 મેના કોજી પબમાં 90 મિનિટમાં 48 હજારનું બિલ ચૂકવ્યું હતું, ત્યાર બાદ તે બ્લેક ક્લબ મૈરિયટ હોટેલ ગયા હતા અને રાત્રે 2 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો. હવે મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં મૂકેલા એક વીડિયોમાં અમીરો માટે અલગ કાયદો છે તેવા સવાલ કર્યા હતા અને કહ્યું હતું કે, કોઈ બસ ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર કે અન્ય કોઈ સામાન્ય માનવી જીવલેણ અકસ્માત સર્જે તો તેને 10 વર્ષની સજા અને કોઈ અમીર ઘરનો સગીર દીકરો દારૂ પીને ગાડી ચલાવે અને બે લોકોના જીવ લઈ લે તો તેને નિબંધ લખાવીને જામીન અપાય છે તેમ જણાવ્યું હતું. ઉપરાંત સગીર આરોપીના દાદા સુરેન્દ્ર અગ્રવાલે ભૂતકાળમાં પોતાના ભાઈ સાથેના મિલકત વિવાદમાં પતાવટ માટે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની મદદ લીધી હોવાની વાત પણ બહાર આવી છે. નોંધનીય છે કે, અત્યાર સુધી અકસ્માત મામલે પોલીસે સગીર આરોપીના પિતા વિશાલ અગ્રવાલ, કોજી રેસ્ટોરન્ટના માલિકનો પુત્ર નમન પ્રહ્લાદ મૂતડા, તેનો મેનેજર સચિન કાટકર, બ્લેક ક્લબ મૈરિયેટ હોટેલનો મેનેજર સંદીપ સાંગલે અને તેના સ્ટાફનો જયેશ બોનકરની ધરપકડ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang