• રવિવાર, 16 જૂન, 2024

તાકીદનો `પંચ' ; પ્રચારમાં ધર્મ-જાતિથી દૂર રહો

નવી દિલ્હી, તા. 22 (પીટીઆઈ) : ચૂંટણીપંચે પ્રચારને લઈને કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાને નોટિસ જારી કરીને બંને પક્ષના નેતાઓ અને સ્ટાર પ્રચારકોને ચૂંટણીના ભાષણોમાં સંયમ અને મર્યાદા જાળવવા તેમજ સાવચેતી રાખવા તાકીદ કરી હતી. પંચે બંને પક્ષના સ્ટાર પ્રચારકોને દેશના સામાજિક અને સાંસ્કૃતિક માળખાંને અસર થાય તેવી જાતિ, ધર્મ, ભાષા, સમુદાયને લગતી બયાનબાજી નહીં કરવા સૂચના આપી છે. પંચે ભાજપને જેનાથી સમાજમાં ભાગલા પડી શકે તેવાં પ્રવચનોથી દૂર રહેવા, તો કોંગ્રેસને બંધારણ બચાવવા અંગેના તેમજ વારંવાર અગ્નિવીર યોજનાના નિવેદનો અટકાવવા જણાવ્યું છે. નડ્ડા અને ખડગેને જારી કરેલી નોટિસમાં ચૂંટણીપંચે કહ્યું છે કે, ભારતના સાંસ્કૃતિક-સામાજિક માહોલને ચૂંટણીને લીધે અસર થવી જોઈએ નહીં. જાતિ, ભાષા, ધર્મ, સેના વગેરે પરના ભાષણોને લઈને પંચે બંને પક્ષની ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે, સ્ટાર પ્રચારકો મર્યાદા જાળવીને બોલે. રાજસ્થાનના બાંસવાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિભાજનકારી પ્રવચન આપ્યું હોવાના વિરોધ પક્ષોને આરોપોને પગલે ચૂંટણીપંચે ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાને નોટિસ આપ્યાના લગભગ એક મહિના બાદ પંચે નડ્ડાના બચાવને નકારી કાઢયો છે અને તેમને અને તેમના પક્ષના સ્ટાર પ્રચારકોને ધાર્મિક અને કોમી પ્રકારના પ્રચારથી દૂર રહેવા જણાવ્યું છે. નડ્ડાની સાથે પંચે ખડગેને પણ નોટિસ જારી કરી છે અને પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનાં નિવેદનોને લઈને ભાજપે નોંધાવેલી ફરિયાદને લઈને ખડગેનો જવાબ માગ્યો છે. પંચે કોંગ્રેસને સુરક્ષાદળો મુદ્દે રાજકારણ નહીં કરવા અને દળોના સામાજિક-આર્થિક સ્વરૂપ અંગે વિભાજનકારી નિવેદનોથી દૂર રહેવા જણાવ્યું છે. પંચે બંધારણને નાબૂદ કરવામાં આવશે, એવી ખોટી છાપ ફેલાવતાં નિવેદનોથી દૂર રહેવા પણ કોંગ્રેસ અને તેના સ્ટાર પ્રચારકોને તાકીદ કરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang