• ગુરુવાર, 28 સપ્ટેમ્બર, 2023

નવી સંસદનાં ઉદ્ઘાટન અંગેની અરજી સુપ્રીમે ફગાવી

નવી દિલ્હી, તા. 26 : નવાં સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવવાના નિર્દેશની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. ટોચની અદાલતે કહ્યું હતું કે, અમે આ મામલામાં દખલ નહીં કરીએ. અરજદાર વકીલ જયાસુકીને જેવી દલિલો કરવી શરૂ કરી કે તરત જ સુપ્રીમ કોર્ટે કહી દીધું હતું કે, આવી અરજી લાવો જ શા માટે છો. આમા તમારો શું રસ છે, તે સમજાતું જ નથી. ન્યાયમૂર્તિ જે.જે. મહેશ્વરીની ખંડપીઠે મામલાની સુનાવણી  કરતાં કહ્યું હતું કે, આ અદાલતનો વિષય નથી. આ ટિપ્પણી બાદ સુપ્રીમે અરજી રદ કરી નાખી હતી. કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ એસ.જી. મહેતાએ જણાવ્યું હતું કે, અરજી પાછી ખેંચ્યા બાદ વકીલ સુકીન હાઇકોર્ટમાં પણ જઇ શકે છે. આવા વાંધા બાદ કોર્ટે અરજદાર સુકીનને કહ્યું હતું કે, જો આપ હાઇકોર્ટ જવાના હો, તો અમે અરજી રદ કરીએ છીએ. જવાબમાં અરજદાર જયાસુકીને જણાવ્યું કે, હું હાઇકોર્ટમાં પણ નહીં જઉં. એવું ઇચ્છતો નથી કે, અરજી રદ્દ થાય. નહિતર સરકારને આવાં ઉદ્ઘાટનનું સર્ટિફિકેટ મળી જશે. અગાઉ, જયાએ અરજીમાં એવો તર્ક આપ્યા હતો કે, સંસદના તમામ વિધેયક રાષ્ટ્રપતિની મંજૂરી પછી જ કાયદા બને છે. એટલે સંસદ ભવન રાષ્ટ્રપતિના હસ્તે જ ખુલ્લું મુકાવું જોઇએ. સર્વોચ્ચ અદાલતની વૅકેશન બેન્ચના ન્યાયાધીશો જે.કે. મહેશ્વરી અને પી.એસ. નરસિમ્હાએ અરજદારને ખખડાવતા જણાવ્યું હતું કે, શા માટે અને કેમ આ અરજી નોંધાવવામાં આવી છે તે અદાલત સમજે છે. બંધારણની કલમ 32 અનુસાર અદાલત આ અરજી દાખલ કરવાનું વલણ ધરાવતી નથી. જ્યારે કોઈ વ્યક્તિને લાગે કે તેને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવ્યો છે ત્યારે તે બંધારણની કલમ 32 અનુસાર સર્વોચ્ચ અદાલતનો આશરો લેવાનો અધિકાર ધરાવે છે. આ અરજી નોંધાવવમાં તમારું હિત કે રસ શું છે?  અમે તમારા ઉપર આ અરજી બદલ ખર્ચ વસૂલ કર્યો નથી યે બદલ અમારો આભાર માનો. આ અરજી વિશે વિચારવાનું કામ અદાલતનું નથી. સુકીને જણાવ્યું હતું કે બંધારણની કલમ 79 અનુસાર રાષ્ટ્રપતિ દેશની કારોબારીના વડા છે. તેઓ દેશના પ્રથમ નાગરિક છે તેથી તેઓને સંસદની ઇમારતના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવું જોઈએ. તે અંગે વૅકેશન બેન્ચે જણાવ્યું હતું કે અદાલત કલમ 79 સમજે છે, પરંતુ તે ઇમારતના ઉદ્ઘાટન સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે.

Janmadin Vishesh Purti

Panchang