• સોમવાર, 06 મે, 2024

કેજરીવાલની કસ્ટડી 7 મે સુધી લંબાઇ

નવી દિલ્હી, તા. 23  : અહીંની રાઉઝ એવેન્યૂ કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલને રાહત મળી નહોતી અને અદાલતે તેમની ન્યાયિક અટકાયત  સાત મે સુધી લંબાવી હતી. કોર્ટના આદેશને પગલે દિલ્હીના મુખ્યમંત્રી હવે લોકસભા ચૂંટણીના બીજા (26 એપ્રિલ) અને ત્રીજા (સાતમી મે) તબક્કા દરમ્યાન પણ જેલમાં રહેશે. શરાબનીતિ અંગેના કેસમાં કેજરીવાલ ઉપરાંત બીઆરએસ નેતા કવિતા તેમજ અન્ય એક આરોપી ચરનપ્રીતની કસ્ટડી પણ સાતમી મે સુધી લંબાવાઈ હતી. ઈડીએ સુનાવણી દરમયાન જણાવ્યું હતું કે કવિતાના કેસમાં એજન્સી 60 દિવસમાં આરોપનામું દાખલ કરશે. તિહાર પ્રશાસને જણાવ્યું હતું કે કેજરીવાલને સોમવારે સાંજે ઈન્સ્યુલિન આપવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, સોમવારે સાંજે 7 વાગ્યે કેજરીવાલનું સુગર લેવલ 217 થઈ જતાં તેમને ઈન્સ્યુલિનના બે ડોઝ અપાયા હતા. એઈમ્સની ટીમે જણાવ્યું હતું કે સુગરનું સ્તર 200ને પાર થાય ત્યારે તેમને ઓછા ડોઝવાળી ઈન્સ્યુલિન આપી શકાય. ઉલ્લેખનીય છે કે  શરાબનીતિના કેસમાં ઈડીએ 21મી માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. 22મી માર્ચે રાઉઝ એવેન્યૂ કોર્ટે તેમને 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર મોકલી દીધા હતા. તેઓ પહેલી એપ્રિલથી તિહાર જેલમાં બંધ છે. તેમની કસ્ટડી 1 એપ્રિલ, ત્યારબાદ 23 એપ્રિલ સુધી લંબાવાઈ હતી અને આજે પણ તેમને રાહત મળી નહોતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang