• સોમવાર, 06 મે, 2024

તાઈવાનમાં એક રાતમાં 80 ભૂકંપ

તાઈપે/ટોકિયો, તા.23 : વીસ દિવસ પહેલાં આવેલાં પ્રચંડ ભૂકંપના આઘાતમાંથી તાઈવાનના લોકો હજુ બહાર આવ્યા નથી ત્યાં એક રાતમાં ભૂકંપના 80 જેટલા ઝાટકાઓથી તાઈવાન ધણધણી ઊઠયું હતું. તેમાં સૌથી શક્તિશાળી ભૂકંપ 6 અને 6.3ની તીવ્રતાના રહ્યા હતા. ભૂકંપને કારણે ત્રીજી એપ્રિલના ધરતીકંપથી અસરગ્રસ્ત ઈમારતો હવે એક તરફ ઝૂકી ગઈ છે. દરમ્યાન, આંચકાઓની અસર ચીન, જાપાન અને ફિલિપીન્સમાં પણ થઈ હતી. મળતી વિગતો અનુસાર દેશના પૂર્વી કિનારે ગઈકાલે સાંજથી મોડી રાતના 12 વાગ્યા સુધીમાં એક પછી એક એમ 80થી વધુ વખત ધરતીકંપના આંચકાએ તાઈવાની નાગરિકોને ગભરાવ્યા હતા. તાઈવાનમાં ત્યારે રાતના 2.30 વાગ્યા હતા. સ્થાનિક મોસમ વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્રબિન્દુ પૂર્વી કાઉન્ટી હુલિએનમાં જમીનમાં 5.5 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઉલ્લેખનીય છે કે ત્રીજી એપ્રિલના 7.5ની તીવ્રતાનું કેન્દ્રબિન્દુ પણ નગરમાં હતું. ભૂકંપને કારણે હુલિએનમાં બે ઈમારતોને ભારે નુકસાન પહોંચ્યું હતું. એક ઈમારત ધ્વસ્ત થઈ હતી જ્યારે બીજી એક તરફ ઝૂકી ગઈ હતી. જાનહાનિના હેવાલ તાત્કાલિક મળી શક્યા નથી. જાપાન, ચીન અને ફિલિપિન્સમાં પણ ભૂકંપના ઝાટકાની અસર અનુભવાઈ હતી. પહેલાં તાઈવાનમાં ત્રીજી એપ્રિલે 7.5ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો જેમાં 14 લોકોનાં મોત થયાં હતાં. તાઈવાન બે ટેક્ટોનિક પ્લેટના જંકશન પર વસેલો દેશ છે જે ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ મનાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang