• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

બાગેશ્વર બાબાનું ગુજરાતમાં આગમન

અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદ સહિત ગુજરાતભરમાં અત્યારે બાગેશ્વર બાબા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ત્યારે આજે ગુરૂવારે બાગેશ્વર બાબા ધામ સરકારના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં આવી પહોંચ્યા છે. બપોરના સુમારે બાગેશ્વર બાબા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા ત્યાંથી સીધા જ યજમાન અમરાઈવાડીના પૂર્વ કોર્પોરેટર અરાવિંદ ચૌહાણના ભાઈના ઘરે પહોંચ્યા ત્યાં ભોજન લીધું હતું. ત્યાર બાદ વટવા ખાતે દેવકીનંદન મહારાજના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમના દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.ગુજરાતમાં 3 જૂન સુધી જુદા જુદા શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. તેમની સુરક્ષા માટે 500થી વધુ ખાનગી બાઉન્સરો રાખવામાં આવ્યા છે. તો 1500થી વધુ સ્વયંસેવકો તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે. નોંધનીય છે કે થોડાક સમય પહેલા બાબા બાગેશ્વરને જાનથી મારી નાખવાની ધમકી મળતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. વટવામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના પ્રવચનમાં સનાતન ધર્મને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે અમદાવાદ સરસ શહેર છે, શહેરની ધરતી પર દરેક સનાતની છે, કાયરો જ સનાતન માટે નહીં જાગે, સનાતન માટે જાગવાનો સમય આવી ગયો છે. જો જાગશો નહી તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય. વટવામાં પ્રવચન બાદ તેઓ સુરત જવા રવાના થયા હતા.આજે બપોરે બાબા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે ભક્તો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ફુલહાર પહેરાવી બાબા બાગેશ્વરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ભક્તોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યના અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં હાલ જ્યારે બાબા તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના કાર્યક્રમો થવા જઈ રહ્યા છે જેમાં આવતીકાલે અને પરમદિવસે એટલે કે 26 અને 27 મેએ સુરતના લિંબાયતમાં દિવ્ય દરબાર ભરાશે. ત્યારબાદ 29-30 મેના અમદાવાદમાં દિવ્ય દરબાર ભરાશે. જેમાં અંદાજિત 1 લાખથી વધુ લોકો આવવાની સંભાવના છે. પહેલી અને બીજી જૂને રાજકોટના રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબારનું આયોજન કરાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang