ભુજ, તા. 10 : રૂપિયાની લેવડ-દેવડના મુદ્દે
ભુજમાં 71 વર્ષીય જૈન સેવાભાવી વૃદ્ધ
રશ્મિકુમાર કનકલાલ ભુલાણી (શાહ)ની હત્યા કરાયાના બનાવમાં આરોપી નીલેશ હસમુખલાલ શાહે
કૃત્ય આચર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે ફેંકી દીધેલા સીસીટીવીના ડીવીઆર અને મોબાઈલ અને સેટટોપ બોક્સ સહિતના ઉપકરણો પોલીસે શોધી લીધાં
હતાં. બીજી તરફ પોલીસે આરોપીને પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે ચીફ જ્યુડિશિયલ કોર્ટ
સમક્ષ રજૂ કર્યો હતો. અદાલતે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે
આપેલી વિગતો મુજબ, આરોપીએ ગુનો
કર્યા બાદ મરનારના ઘરે લાગેલા સીસીટીવીનું ડીવીઆર, મોબાઈલ સહિતની
સામગ્રી હમીરસર તળાવમાં ફેંકી દીધી હતી, તે શુક્રવારે પોલીસે
શોધી કાઢી હતી. ગુનો કર્યા બાદ આરોપીએ લોહીવાળા કપડાં સગેવગે કરી દીધા હોવાથી તે હજુ
સુધી મળી આવ્યા નથી, તે ઉપરાંત આ કેસમાં મહત્ત્વના પુરાવાઓ મેળવવા
અને પુરાવાઓનો નાશ કરવા આરોપી કઈ-કઈ જગ્યાએ કોની મદદથી ગયો તે જાણવા, તેમજ અન્ય કોણ-કોણ તેની સાથે સંકળાયેલા છે તે જાણવા સઘન પૂછપરછ અનિવાર્ય હોવાથી
આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવવા કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. અદાલતે ગુનાની ગંભીરતા
અને આરોપી દ્વારા જણાવાયેલી હકીકતોની સત્યતા તપાસવા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ આર. આર. પ્રજાપતિએ દલીલ કરી હતી.