ગાંધીધામ, તા. 25 : શહેરના
કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં આવેલી એક કંપનીના વેરહાઉસમાં અચાનક આગ લાગતાં
આસપાસની કંપનીઓમાં કામ કરતા લોકોના જીવ તાળવે ચોટયા હતા. અગ્નિશમનના 10 લાયબંબાઓએ
પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ મોડી રાત્રે આગ
કાબૂમાં આવે તેમ હોવાનું જણાવાયું હતું. શહેરના કાસેઝમાં આવેલી કંપનીના વેરહાઉસમાં
આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. આગના આ બનાવને પગલે આસપાસની કંપનીઓમાં કામ
કરતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. આગના બનાવની જાણ થતાં કાસેઝ અગ્નિશમન દળ ત્યાં
દોડી આવ્યું હતું. ઊંચે સુધી પહોંચેલી આગની જ્વાળાઓ અને ધુમાડા છેક આદિપુર સુધી
દેખાતા હતા. કાસેઝના લાયબંબા આગ ઓલવવામાં પહોંચી ન વળતાં ડી.પી.એ., ટિમ્બર, ગાંધીધામ મહાપાલિકાની અગ્નિશમન દળની ટીમો
બોલાવાઇ હતી. બાદમાં 10 જેટલા લાયબંબાઓ થકી પાણીનો મારો
ચલાવી આગને કાબૂમાં લેવા બપોરથી પ્રયત્નો કરાયા હતા. આ વેરહાઉસમાં ક્રેપ, લોખંડ, મશીનરી, વપરાયેલા કપડાં તેમજ કપડાં માટેનું અને અન્ય
કેમિકલ પણ પડયું હોવાનું બહાર આવ્યું હતું. આગની ઊંચી જ્વાળાઓના કારણે આસપાસની
કંપનીઓનાં વૃક્ષો સળગી ગયાં હતાં તેમજ દીવાલો પણ કાળી પડી ગઇ હતી. આ અંગે કાસેઝના
પી.આર.ઓ. સચિનસિંઘનો સંપર્ક કરતાં આગ શ્રીજી કંપનીના વેરહાઉસમાં લાગી હોવાનું અને
તે બંધ હોવાનું જણાવ્યું હતું તેમજ આગ સાંજે કાબૂમાં આવી ગઇ હોવાનું કહ્યું હતું.
જ્યારે આગ બુઝાવવા ગયેલા દળના સભ્યોએ આગ બાબુ ઈન્ટરનેશનલમાં લાગી હોવાનું જણાવ્યું
હતું. ખરેખર કઈ કંપનીમાં આગ લાગી તે બહાર આવ્યું નહોતું. આ આગ મોડી રાત્રે કાબૂમાં
આવશે તેવું અગ્નિશમન દળના સભ્યોએ જણાવ્યું હતું.
કાસેઝમાં માર્ચ મહિનામાં જ આગના
બનતા બનાવો
ગાંધીધામ, તા. 25 : શહેરના
કાસેઝમાં આવેલી અમુક કંપનીઓમાં માર્ચ મહિનામાં આગના બનાવો વધી જતાં હોય છે.
બીજીબાજુ કાસેઝ પ્રશાસન પાસે પૂરતી સુવિધાના અભાવે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી
હોવાનું સમજાય છે. કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં દર વર્ષે હિસાબી વર્ષ માર્ચમાં
આગના બનાવો સામે આવતા હોય છે. જેના કારણે આસપાસમાં આવેલી કંપનીઓમાં કામ કરતા
શ્રમિકોના જીવ તાળવે ચોટતા હોય છે. બીજીબાજુ કાસેઝ તંત્ર પાસે આગ ઓલવવાના પૂરતાં
સાધનો ન હોવાના પણ આક્ષેપ થયા હતા. આગના બનાવો વખતે બહારથી અગ્નિશમનની ટીમો
બોલાવવાનો વારો આવતો હોય છે. કાસેઝમાં બનતા આગના બનાવોને કાબૂમાં લેવા પણ
શ્રમિકોમાં માંગ ઊઠી હતી.