મુંદરા, તા. 25 : અહીંના
શક્તિનગર વિસ્તાર અને જાંબુવાડી નજીકનો મુખ્ય માર્ગને જોડતા ભૂખી નદીના તટ
વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધના મુદ્દે ફરિયાદ બાદ આ મુદ્દે સ્વાગત કાર્યક્રમમાં
સુનાવણી થઈ હતી, જેમાં મુંદરા-બારોઇ નગરપાલિકા દ્વારા જણાવાયું હતું કે, આ વિસ્તાર તેમની હદમાં નથી. જો કે, 15 દિવસથી સફાઈ જારી છે અને આગામી
સમયમાં ડમ્પિંગ સાઈટ વિકસાવાનું કાર્ય પ્રગતિમાં છે. અરજદાર ભરત પાતારિયાએ અગાઉ
સ્વાગત કાર્યક્રમમાં કરેલી રજૂઆત બાદ ફરી સુનાવણીમાં જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકો અને
વાહનોની અવરજવરવાળા આ વિસ્તારમાં ખુલ્લેઆમ ગંદો કચરો ફેંકાય છે. કચરો ફેંકનારા
લોકો, કંપનીઓ પર કાર્યવાહી કે પ્રતિબંધ લગાવવો જોઈએ. આ
સંદર્ભે નગરપાલિકાએ પ્રતિભાવ આપ્યો હતો કે, આ સુધરાઈ હદ
બહારનો વિસ્તાર છે. પ્રતિબંધ જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું તેમના અધિકાર ક્ષેત્રની
બહાર છે. જો કે, લીગેસી વેસ્ટના નિકાલ માટે મશીનરી સાથે સફાઈ
કાર્ય જારી છે.