ભુજ, તા. 25 : શહેરીજનોની માનવતાએ આજે બપોરે
હમીરસરમાં ડૂબતી યુવતીને બચાવીને બિરદાવાલાયક કાર્ય કર્યું હતું. આજના સોશિયલ મીડિયાના
યુગમાં કોઇ દુર્ઘટના થાય ત્યારે હતભાગીને બચાવાના
બદલે લોકો વીડિયા અને ફોટા કાઢે શેર કરવા અર્થે... પરંતુ ભુજવાસીઓએ રેસ્કયૂ ટીમની રાહ
જોયા વિના સમયસૂચકતા વાપરી હમીરસરમાં ડૂબતી એક યુવતીને ઉગારી લીધી હતી. આજે બપોરે 2.20 વાગ્યે રાજેન્દ્રબાગથી ખેંગારપાર્ક
તરફ જતા માર્ગે એક પચીસેક વર્ષની યુવતીએ કોઇ
અગમ્ય કારણોસર રોડ પરથી હમીરસર તળાવમાં છલાંગ લગાવી દીધી હતી. આ દૃશ્ય રાહદારીઓ જોઇ
જતાં તુરંત બૂમાબૂમ કરી હતી અને માર્ગ પરથી પસાર થતા લોકો ત્યાં એકત્ર થઇ ગયા હતા. રાહદારી મહિલા-યુવતીઓએ તુરંત પોતાના
દુપટ્ટા બાંધી દોરડું બનાવી યુવતી તરફ ફેંક્યું. બીજી તરફ રાજેન્દ્રબાગ બાજુ તરતા યુવકોને
પણ રાડારાડી કરી આ યુવતીને બચાવવા લોકોએ બોલાવી લીધા. દરમ્યાન ભુજની ફાયર ટીમ અને 108ને પણ કોલ કરી દેવાયા. સદ્ભાગ્યે
યુવતીએ જ્યાં છલાંગ લગાવી ત્યાં પાણી ઊંડું ન હતું. ભુજની ફાયર ટીમ અને 108 ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં
જ માનવતાવાદી ભુજવાસીઓએ સહિયારા પ્રયાસથી યુવતીને ઉગારી લીધી હતી અને રડતી યુવતીને
રાહદારી મહિલાઓએ સાંત્વના અને હિંમત આપી હતી. થોડીવારમાં જ ભુજ ફાયરની ટીમ અને 108 આવી પહોંચ્યા હતા. યુવતીના
પરિજનોને પણ જાણ કરી દેવાઇ હતી. આમ ભુજવાસીઓની આ માનવતા બિરદાવવાલાયક બની છે અને આવી
માનવતા ટકી રહે તે પણ આજના સાંપ્રત સમયમાં અત્યંત જરૂરી છે.