ગાંધીધામ, તા. 25 : રેલવે દ્વારા લાંબા અરસાથી
બંધ રહેલા ગોપાલપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરાયું છે અને તેને ગણતરીના દિવસોમાં જ કાર્યરત કરવામાં આવશે. આજે ગાંધીધામ
શહેર કોંગ્રેસ દ્વારા આ નવા રેલવે સ્ટેશન ખાતે પ્રજાની અપેક્ષા અને વહીવટી જરૂરિયાતો
અંગે રેલવે પ્રશાસન સમક્ષ રજૂઆતો કરવામાં આવી
હતી. ગાંધીધામ શહેર કોંગ્રેસ દ્વારા એરિયા રેલવે મેનેજર આશિષ ધાનિયાને રૂબરૂ મળીને પત્ર
પાઠવાયો હતો. આ નવનિર્મિત રેલવે સ્ટેશન ખાતે ભવિષ્યની ભીડને ધ્યાનમાં રાખીને મુખ્ય
બિલ્ડિંગ ઉપર બીજા માળનું બાંધકામ કરીને આધુનિક વેઈટિંગ રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા
અનુરોધ કરાયો હતો. મુસાફરોને રહેવા, ખાવાપીવાની તકલીફ ન પડે તે માટે રેલવેની ખાલી જમીનમાં હોટેલ
અને ગેસ્ટહાઉસનું નિર્માણ કરવા રજૂઆત કરાઈ હતી. આ પ્રકલ્પથી રેલવેને આવક થશે અને મુસાફરોને
સુવિધા મળશે, તેવું જણાવ્યું
હતું. જ્યાં સુધી ગોપાલપુર રેલવે સ્ટેશન ખાતે તમામ સુવિધાઓ પૂરી ન થાય ત્યાં સુધી કચ્છ
એક્સપ્રેસ, સયાજીનગરી,
વંદે ભારત સહિતની મુખ્ય ટ્રેનોનું સ્ટોપેજ ગાંધીધામ મુખ્ય સ્ટેશન ઉપર જ યથાવત્ રાખવા માંગ
કરાઈ છે તેમજ લોકલાગણીને માન આપીને સ્ટેશનનું નામ ગોપાલપુરી રાખવા અનુરોધ કરાયો છે.
સુરક્ષાના હેતુથી ઈમારતના બહારના ભાગે સુસજ્જ પોલીસ ચોકી બનાવવા તેમજ સ્ટેશન ઉપર તબીબી
સુવિધા, પ્રવેશવા અને બહાર નીકળવા માટેના પહોળા રસ્તા બનાવવા, ગાંધીધામ રેલવે સ્ટેશનની જેમ પાણી
ન ભરાય તે માટે વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા બનવવા, એરપોર્ટ
તર્જ ઉપર ટ્રોલી સુવિધા, ફ્રી વાઈફાઈ, રિક્ષા સ્ટેન્ડ, સિનિયર સિટીઝન માટે અલગ ટિકિટબારી સહિતના મુદ્દે રજૂઆત કરાઈ છે. રેલવે દ્વારા
લોકાર્પણ પૂર્વે જ આ સુવિધાઓની કામગીરી પૂર્ણ
કરવામાં આવે તેવો અનુરોધ કરાયો છે. આ વેળાએ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તા, તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા
મહિલા કોંગ્રેસના પ્રમુખ રાધાસિંહ ચૌધરી,
જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. પ્રમુખ લતીફ ખલીફા તેમજ શહેરના પદાધિકારીઓ,
કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.