ચેન્નાઇ, તા. 25 : ટી-20 વર્લ્ડકપમાં સેમિફાઈનલ પ્રવેશની આશા જીવંત રાખવા માટે ભારતીય
ટીમ આવતીકાલે ઝિમ્બાબ્વે સામે મહાવિજયના ઈરાદે મેદાનમાં ઊતરશે. ટીમ ઇન્ડિયાનું વર્ષ
2024થી ચાલ્યું આવતું ટી-20 વિશ્વકપ વિજયી અભિયાન થંભી
ચૂક્યું છે. સતત 12 જીતની સોનેરી
સફર પછી ટીમ ઇન્ડિયાને અમદાવાદના આંગણે દ. આફ્રિકા વિરુદ્ધ 76 રને આંચકારૂપ હાર સહન કરવી
પડી હતી. આ પરાજયથી સૂર્યસેનાનું વિશ્વકપ અભિયાન મઝધારમાં ફસાયું છે. જેમાંથી હેમખેમ
બહાર નીકળવા માટે ટીમ ઇન્ડિયાએ બે વિઘ્ન પાર કરવાના છે. જેમાં એક છે ઝિમ્બાબ્વે ટીમ.
જેની સાથે ટીમ ઇન્ડિયાનો અહીંના ચેપોક મેદાન પર ગુરુવારે કરો યા મરો સમાન મેચ રમાશે.
ઝિમ્બાબ્વે સામેની મેચ આમ તો ભારત માટે કઠિન રહી નથી, પણ આ વખતે સેમિફાઇનલની આશા જીવંત રાખવાનું ટીમ
ઇન્ડિયા પર દબાણ છે. ઝિમ્બાબ્વે સામેની ભારતીય ઇલેવનમાં બે ફેરફાર થઈ શકે છે. આ મેચ
અગાઉ દ. આફ્રિકા-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સુપર-8 રાઉન્ડના ગ્રુપ-1ની મેચનું પરિણામ આવી ગયું હશે. આથી સૂર્યસેના સામે સેમિ.ના
સમીકરણનું ચિત્ર ઘણું સાફ હશે. આથી ટોસ જીતવાની સ્થિતિમાં ટીમ ઇન્ડિયા લક્ષ્યનો પીછો
કરવાનું પસંદ કરી શકે છે. ઝિમ્બાબ્વે સામે
ભારતીય ઇલેવનમાં સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલની વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. આથી
પ્રયોગાત્મક ખેલાડી વોશિંગ્ટન સુંદરને લગભગ બહાર બેસવું પડી શકે છે. રિંકુ સિંહનું
આ મેચમાં રમવું શંકાસ્પદ છે. તે પિતાની બીમારીને લીધે અલીગઢ ગયો હતો. જો કે, બેટિંગ કોચ સિતાંશુ કોટકનાં નિવેદન અનુસાર તે
બુધવારે રાત્રે ટીમ ઇન્ડિયા સાથે જોડાઈ ચૂક્યો છે. જો કે, તેની
ઇલેવનમાં પસંદગી અનિશ્ચિત છે. તેનાં સ્થાને સંજુ સેમસન પર કોચ ગંભીર દાવ ખેલી શકે છે.
નંબર વન બેટર અભિષેક શર્મા અને પ્રતિભાશાળી તિલક વર્મા પર પણ ઇલેવન બહાર થવાની તલવાર
લટકી રહી છે. જો કે, કપ્તાન સૂર્યકુમાર યાદવ સંકેત આપી ચૂકયો
છે કે તેની ટીમ નીડર ક્રિકેટ રમવાનું છોડશે નહીં. રિપોર્ટ અનુસાર અભિષેક અને તિલકને
ઝિમ્બાબ્વે સામેની મેચમાં પડતી મૂકવામાં આવશે નહીં. ચેપોકની પીચ પર ભારત માટે ફરી એકવાર
સ્પિન બોલર્સ ટ્રમ્પ કાર્ડ બની શકે છે. સાઉથ આફ્રિકા સામે મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી
મારક બની શક્યો ન હતો. ચેપોક પર તે ફરી ઘાતક બની શકે છે, કારણ
કે આ તેની હોમ પીચ છે. વરુણના સાથમાં અક્ષર હશે અને કદાચ કુલદીપની પણ એન્ટ્રી થઈ શકે
છે. ઝિમ્બાબ્વે સામે ભારતને સૌથી મોટી આશા
પાવર પ્લેમાં અભિષેક અને ઇશાન પાસેથી આક્રમક શરૂઆતની હશે. ઝિમ્બાબ્વેના લાંબા કદના
બોલર અને ખાસ કરીને મુજરબાની પાવર પ્લેમાં સતત હરીફ ટીમના બેટધરોને શિકાર બનાવી રહ્યા
છે. જેનાથી ટીમ ઇન્ડિયાએ સચેત રહેવું પડશે. ટોસ જીતનાર ટીમ લક્ષ્યનો પીછો કરવાનું પસંદ
કરશે.