નવી દિલ્હી, તા. 25 : સુપ્રીમ કોર્ટના
મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે એનસીઇઆરટીના આઠમા ધોરણના પાઠયપુસ્તકમાં `ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પર એક પ્રકરણ સામેલ કરવા સામે નારાજગી
દર્શાવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ન્યાયપાલિકાને
બદનામ કરવાની છૂટ કોઇને પણ અપાશે નહીં. મુખ્ય ન્યાયમૂર્તિ લાલઘૂમ થયા પછી એનસીઈઆરટીના
પાઠય પુસ્તકના વેચાણ પર તરત રોક મૂકી દેવાઈ હતી. અહેવાલ અનુસાર આઠમાં ધોરણના એ પાઠય
પુસ્તકમાંથી વિવાદી પ્રકરણ હટાવી દેવાય, તેવી શક્યતા છે. મુખ્ય
ન્યાયમૂર્તિ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વિપુલ પંચોલીની
ખંડપીઠ સમક્ષ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ મામલો ઉઠાવ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું
હતું કે, મને તેની પૂરી જાણકારી છે. આ સમગ્ર ન્યાય સંસ્થાન માટે
ચિંતાની વાત છે. આ સમજી વિચારીને લેવાયું હોય, તેવું પગલું લાગે
છે. હું કોઇને પણ આવી છૂટ નહીં આપું. ભલે ને કોઇ ગમે તેટલાં ઊંચા પદ પર પણ કેમ ન હોય,
હું અમારી સંસ્થાને બદનામ કરવા નહીં દઉં. આ મામલા પર હું ખુદ નોટિસ લઇ
રહ્યો છું, તેવું નારાજ મુખ્ય ન્યાયમૂર્તિ બોલ્યા હતા. એનસીઇઆરટી
દ્વારા 23 ફેબ્રુઆરીના જારી નવાં પાઠયપુસ્તકમાં
`ધ રોલ ઓફ જ્યુડિશિયરી ઇન અવર સોસાયટી' એટલે કે, આપણા સમાજમાં
ન્યાયતંત્રની ભૂમિકા પ્રકરણમાં `ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર'
પ્રકરણ સામેલ કરાયું છે. આ પાઠયપુસ્તક 2026-27ના શિક્ષણ સત્રથી શાળાઓમાં
ભણાવાશે. સામાજિક વિજ્ઞાનનાં આ પુસ્તકમાં લખાયું છે કે, `જસ્ટિસ ડિલેડ ઇસ જસ્ટિસ ડિનાઇડ' એટલે કે, `ન્યાયમાં વિલંબ અન્યાય' છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક એમ.
સિંઘવીએ ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું કે, બાળકોને ન્યાયતંત્રમાં
ભ્રષ્ટાચારનો વિષય એવી રીતે ભણાવાઇ રહ્યો છે, જાણે ભ્રષ્ટાચાર
અન્ય કોઇ સંસ્થામાં હોય જ નહીં. આ ચિંતાનો વિષય છે. પુસ્તકમાં રાજનીતિ, અમલદારશાહી વગેરેને છોડી દેવાયાં છે. અન્ય ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર પર એક શબ્દ
પણ નથી. જાણે ભ્રષ્ટાચાર માત્ર ન્યાયપાલિકામાં જ છે, તેવું બંને
વકીલે જણાવ્યું હતું. જવાબમાં મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું હતું કે,
પ્લીઝ થોડી રાહ જુઓ. તમામ હાઇકોર્ટના જજ સહિત હિતધારકો પરેશાન છે. હું
આ મામલાને ખુદ જોઇશ. કાયદો પોતાનું કામ કરશે તેવું તેમણે ઉમેર્યું હતું. જસ્ટિસ બાગચીએ
પણ જણાવ્યું હતું કે, પાઠયપુસ્તકમાં આ પ્રકરણ પાયાના ઢાંચા વિરોધી
છે.