• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

મહત્વના તબીબો, સુપરવાઇઝર, સ્ટાફ નર્સ, એમપી ડબલ્યુના કર્મચારીઓની ઘટથી આરોગ્ય સેવાઓ ઉપર અસર

ગાંધીધામ, તા. 25 : ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગમાં લાંબા સમયથી મહત્વના તબીબો સહિત 70 જગ્યાઓ ખાલી હોવાથી તેની સીધી અસર સ્વાસ્થ્ય સેવાઓ ઉપર પડી રહી છે. એક બાજુ ભાડાના મકાનમાં સેન્ટરો ચાલે છે અને બીજી બાજુ તબીબી સ્ટાફની ઘટ છે તે વચ્ચે રસીકરણ સહિતની સ્વાસ્થ્ય સેવાઓ છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવામાં મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર મહત્વના હોય છે હાલના સમયે અહીં ત્રણથી વધુ મેડિકલ ઓફિસરોની જગ્યાઓ ખાલી છે તો ફીમેલ હેલ્થ વર્કરની લગભગ 25 થી વધુ જગ્યાઓ ખાલી છે સ્ટાફ નર્સની 10 થી 12 જગ્યાઓ ખાલી છે મેડિકલ ઓફિસર તેમજ આયુષ મેડિકલ ઓફિસરની લગભગ સાતની આસપાસ જગ્યાઓ ખાલી છે. એમપી ડબલ્યુ ની 25 થી વધુ તેમજ લગભગ 10 થી વધુ સુપરવાઇઝરો સહિત 70 થી વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે આરોગ્ય વિભાગમાં હાલના સમયે 50 ટકા સ્ટાફની ઘટ છે. તેની સીધી અસર સ્વાસ્થ્ય સેવાઓ ઉપર જોવા મળી રહી છે. મહાનગરપાલિકાનો વિસ્તાર અને વસ્તી બંને વધ્યા છે એક અંદાજ મુજબ 188 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 6 લાખ ની આસપાસની વસ્તી છે. અર્બન હેલ્થ સેન્ટરો અને આરોગ્ય કેન્દ્ર છે પરંતુ એમબીબીએસ સહિત મહત્વના તબીબો,સુપરવાઇઝરો, ફાર્માસિસ્ટો,ફિમેલ હેલ્થ વર્કર તેમજ મેલ હેલ્થ વર્કર સુપરવાઇઝરો સહિતની મહત્વની 50 ટકા ની આસપાસ જગ્યાઓ ખાલી છે. સરકાર છેવાડાના માનવી સુધી સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટે ની વાતો કરે છે અને સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર કરીને લોકો સુધી તેને પહોંચાડવામાં આવે છે તેવા દાવાઓ કરે છે તે વચ્ચે આરોગ્ય વિભાગમાં મહત્વના તબીબો સહિતની ખાલી જગ્યાઓવિંશ અનેક સવાલો ઉભા થાય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ ખાલી જગ્યાઓના કારણે સ્વાસ્થ્ય સેવાઓ ઉપર ગંભીર અસર પડી રહી છે શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બંને સેવાઓ મજબૂત હોવી જોઈએ ગાંધીધામ સંકુલમાં ખાટલે મોટી ખોટ એ છે કે પ્રાથમિક શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી. અને આરોગ્ય વિભાગમાં મોટા પાયે સ્ટાફની ઘટ છે જેના કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. જન પ્રતિનિધિઓ દ્વારા સ્વાસ્થ્ય સેવાઓના મજબુતિકરણ અને સેવામાં સુધાર લાવવા માટે તાકીદે ખાલી પડેલી જગ્યાઓ અને ભરવા માટે સરકાર સુધી વાત પહોંચાડવામાં આવે તે અત્યંત જરૂરી છે. - નવી જગ્યાઓ મંજૂર કરવી જરૂરી : ગાંધીધામ તાલુકાનું અસ્તિત્વ પૂર્ણ થયું છે તાલુકો રદ કરવામાં આવ્યો છે અને મહાનગરપાલિકામાં તમામ ગામડાઓનો સમાવેશ કરાયો છે ઉપરાંત અંજાર તાલુકાના મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડી નો સમાવેશ કરાયો છે સ્વાસ્થ્ય સેવાઓને સશક્ત અને મજબૂત કરવા નવી જગ્યાઓ મંજૂર કરવી જરૂર છે હાલની સ્ટાફઘટ પૂર્ણ કરીને વર્તમાન સમયમાં અર્બન હેલ્થ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ આરોગ્ય સેન્ટરમાં નવી જગ્યાઓ ઊભી કરીને ભરતી કરવામાં આવે તે જરૂરી છે. 

Panchang

dd