નવી દિલ્હી, તા. 25 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસથી પાકિસ્તાનનું
પેટ દુ:ખવા માંડયું છે. પાકે નવી દિલ્હી અને તેલ અવીવ વચ્ચે વધતા રણનીતિક સંબંધો પર
ચિંતા વ્યકત કરી હતી. સાથોસાથ અન્ય મુસ્લિમ દેશોમાં પણ આ પ્રવાસે ફફડાટ ફેલાવ્યો છે.
પાકિસ્તાનની સંસદે એકમતે એક પ્રસ્તાવ પસાર કરી ભારત અને અન્ય દેશો સાથે પ્રાદેશિક જોડાણ
બનાવવા પર ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનાં નિવેદનોની ટીકા કરી હતી. પાકના
સાંસદોએ નેતન્યાહુનાં વલણને મુસ્લિમ દેશો વિરોધી લેખાવ્યું હતું. પ્રસ્તાવમાં ઇઝરાયલ
આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરે છે તેવો આરોપ મુકાયો હતો. પાકની સંસદે આરોપ મૂક્યો હતો
કે, ભારત સાથે વધતું જોડાણ મુસ્લિમ દેશોની એકતાને
તોડવાની કોશિશ છે. પાકિસ્તાનની પીડા પાછળ નેતન્યાહુનું `હેક સાગન' નિવેદન જવાબદાર છે. તેમણે કહ્યું હતું કે,
ભારત અરબ દેશો સાથે મળીને એક એવું જોડાણ બનાવશે જે ઇરાન અને તેના સાથી
જેવી કટ્ટર તાકાતોની વિરુદ્ધ ઊભું રહેશે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના પલવાશા
ખાને રજૂ કરેલા પ્રસ્તાવમાં આરોપ મૂક્યો છે
કે, ઇઝરાયલ ભારત અને
અન્ય દેશો સાથે મળીને મુસ્લિમ દેશોને નિશાન બનાવી રહ્યું છે.