વોશિંગ્ટન, તા. 25 : અમેરિકાએ ભારતથી આવતી સોલાર
પેનલો અને સેલ પર 126 ટકાની ડયૂટી
લાદી દીધી છે. અમેરિકી વાણિજ્ય વિભાગનું કહેવું છે કે, ભારત પોતાના ઉત્પાદકોને ખોટી રીતે સબસીડી આપે
છે, જેનાથી ઘરેલુ અમેરિકી કંપનીઓને નુકસાન થઇ રહ્યું છે. આ ફેંસલાથી
ભારતના સોલાર નિકાસકારો માટે અમેરિકી બજારમાં ટકવું મુશ્કેલ બનશે. 126 ટકા ડયૂટીનો મતલબ છે કે, સોલાર પેનલોની કિંમત અમેરિકામાં બમણીથીયે વધુ થઇ જશે. આવી સ્થિતિમાં અમેરિકાના
ગ્રાહકો ભારતીય પેનલનાં સ્થાને સ્થાનિક કંપનીઓ અથવા અન્ય દેશો પાસેથી પેનલ ખરીદવી પસંદ
કરશે. આમ, ભારતીય ઉત્પાદન સ્પર્ધાથી જ બહાર થઇ જશે. આ 126 ટકા ડયૂટી એ 10 ટકા વૈશ્વિક ટેરિફથી અલગ છે, જેની ઘોષણા ટ્રમ્પે તાજેતરમાં કરી હતી. સાથોસાથ
લાઓસ પર 81 ટકા અને ઇન્ડોનેશિયા
પર પણ 143 ટકા ડયૂટી ઝીંકાઇ છે. બ્લૂમબર્ગના
અહેવાલ અનુસાર, 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં અમેરિકામાં થયેલી કુલ સોલાર આયાતની
57 ટકા ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસમાંથી થઇ હતી. ભારતીય નિકાસની
વાત કરીએ તો 2024માં અમેરિકાને
લગભગ 7200 કરોડ રૂપિયાનાં સોલાર ઉત્પાદનો
મોકલાવ્યા હતાં. અમેરિકી સોલાર ઉત્પાદકોનો આરોપ છે કે, ચીનની કંપનીઓ અમેરિકી ટેરિફથી બચવા માટે ભારત,
ઇન્ડોનેશિયા, લાઓસ જેવા દેશોના માર્ગો પરથી પોતાના
માલ મોકલી રહી છે. અમેરિકાનાં વાણિજ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક તથ્ય પત્ર અનુસાર ભારત હવે આયાતો ઉપર સામાન્ય સબસિડી
દર 12પ.87 ટકા ટેરિફનો સામનો કરે છે જ્યારે ઈન્ડોનેશિયા અને લાઓસ ઉપર અનુક્રમે
104.38 અને 80.67 ટકા ટેરિફ લગાડવામાં આવ્યો
છે. સરકારી વ્યાપાર આંકડાઓ દર્શાવે છે કે, આ ત્રણેય દેશ 4.પ અબજ ડોલરની
આયાત માટે જવાબદાર છે અને અમેરિકાની કુલ આયાતની આશરે બે તૃત્યાંશ હિસ્સેદારી ધરાવે
છે. જેને પગલે ટ્રમ્પ પ્રશાસને આરોપ લગાવ્યો છે કે,
ભારત, ઈન્ડોનેશિયા અને લાઓસે મેન્યુફેક્ચરીંગ માટે
અનુચિત સબસિડી આપવામાં આવી હતી. ભારતનાં સંદર્ભમાં અમેરિકી વાણિજ્ય વિભાગે ખુલાસો કર્યો
હતો કે, 2024માં દક્ષિણ
એશિયાનાં દેશોથી સૌર આયાત 792.6 મિલિયન ડોલર
રહી હતી જે 2022નાં આંકડાથી ત્રણ ગણાથી વધુ
છે.