• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગુરુચાવી

સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી : પરીક્ષા જ્યારે પણ હોય, જે રૂપમાં હોય ત્યારે થોડો તણાવ, અસહજતા તો રહેવાના જ છે. તમે અત્યાર સુધીમાં ઘણી બધી પરીક્ષાઓ આપીને આ અનુભવથી પરિચિત રહ્યા છો. બોર્ડની આ પરીક્ષાઓને કોઇ વિશેષ મહત્ત્વ ન માનતાં સહજતાથી લેવામાં શાણપણ છે. - ક્રિકેટની અંદર ભલેને તે વિશ્વ ચેમ્પિયન બેટ્સમેન હોય તો પણ તેને આ જ સલાહ આપવામાં આવે છે કે તું તારી નેચરલ ગેમ જ રમજે. વધારે પડતા ઓવર કોન્સિયસ થઇ જવાથી ઘણું બધું દબાણ કે તણાવ પણ મન પર વધી જતો હોય છે. એટલે પ્રથમ અને મહત્ત્વનો મુદ્દો એ જ છે કે હસતાં-હસતાં પરીક્ષા માટે સહજ બની જજો. - જીવનમાં ઘણી બધી ઘટનાઓ નિશ્ચિત જ છે. તેમાં આપણે માત્ર નિમિત્ત બનતા હોઇએ છીએ. જેમ કે આખું વર્ષ તમે લોકોએ દિલથી મહેનત કરી છે. પેપરો લખવાની પ્રેક્ટિસ પણ કરી છે. કેટલીક રાતો જાગ્યા છો, તમારાથી બનતું તમે બધું જ કરી છૂટયા છો. - આપના હાથમાં કર્મરૂપી પુરુષાર્થની જ સ્વતંત્રતા છે. રિઝલ્ટ એ હરિના હાથમાં છે. જે પણ કંઇ થશે એ સારું જ થશે એ કદી ન ભૂલશો. કર્મરૂપી પુરુષાર્થ કરતાં રિઝલ્ટરૂપી પ્રસાદ ભગવાન આપણને બધાને આપતો જ હોય છે. તેથી ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, `કર્મણિ એવ તવ અધિકાર મા ફલેષુ કદાચન.' - સતત એવો જ વિચાર રાખજો કે એક વખત તમારી પેન પરીક્ષા ગ્રાઉન્ડ ઉપર ઊતરશે ત્યારબાદ સતત ત્રણ કલાક સુધી ફટકાબાજી કરતા અટકશે નહીં. કેમ કે તમે જેવું વિચારો છો તેવી જ ઘટનાઓ ઘટે છે. - `વોટ યુ થીંક ઇઝ એવરીથિંગ' પોઝિટિવ કે હકારાત્મક ચિંતન કરતાં જે પણ કોઇ કર્મ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે તેનો આનંદ ઉઠાવજો અને આવાં કર્મોનું પરિણામ આશ્ચર્યજનક રીતે ઘણું જ સુંદર આવતું હોય છે. - એવું જ વિચારજો કે, પરીક્ષા દરમ્યાન કંઇ જ ખોટું કે ખરાબ નહીં થાય. એ ન ભૂલજો કે તમારી દૃઢ મહેનત જ તમારી સાથે છે, પરંતુ સાથેસાથે તમારા માતા-પિતા, ગુરુજનોના અંતરના આશીર્વાદ પણ તમારા પર વરસ્યા છે. - કદાચ એવું બને કે, પ્રશ્નપત્ર જોતાં જ ગભરાટ થાય, જાણે કે બધું ભૂલી ગયા હો તેવું લાગે, કોઇ અજાણ્યો કે અઘરો પ્રશ્ન પેપરમાં પૂછાયેલો જણાય તો જરા પણ ગભરાશો નહીં. એક કે બે મિનિટ માટે આંખો બંધ કરી ઊંડા શ્વાસ લઇને એક નાની એવી પ્રાર્થના તમને મનગમતા ભગવાનને કરજો અને પછી જે પણ કંઇ આવડે છે તે જવાબ લખવા તમારી પેન ઉપાડજો. - વિશ્વાસ રાખજો કે, ઘણી વખત ન વાચેલા કે ન લખેલા જવાબ પણ પ્રશ્નપત્રના જવાબ લખતી વખતે લખી જશે, ક્યારે પણ પ્રશ્નપત્રના જવાબ લખતી વખતે તમને કેટલા માર્કસ આવશે તેવી ગણતરી કરવી નહીં. પ્રશ્નોના માર્કસ દેવા અને તેની ગણતરીનું કામ તમારા શિક્ષકમિત્રો કરશે. - પરીક્ષા દરમ્યાન તમે વિશેનો કોઇ પણ અભિપ્રાય બાંધ્યા વગર સ્વસ્થતાપૂર્વક પેપરમાં લખ્યા કરજો અને એક વાત એ પણ યાદ રાખજો કે બધાને બધું ન જ આવડે. પરીક્ષામાં જેટલું આવડયું એટલું તમારું, ન આવડે તેટલું ભગવાન પર છોડી દેવું. - જીવનમાં ક્યારેય પણ કોઇ પણ પરીક્ષા અંતિમ હોતી નથી. હું આજે સંન્યાસી છું તો પણ હજી જીવનની પરીક્ષાઓ આપ્યા કરું છું. પરીક્ષા એ તમારા જીવનનો એક ભાગ છે. તેને સહજતાથી સ્વીકારી લેજો અને કોઇ  એક પરીક્ષાનું પરિણામ તમારા સમગ્ર જીવનનો નિર્ણય કરતો નથી. - ક્યારે કોઇ પરીક્ષા બહુ સારી ન જાય અને તમારી અપેક્ષા મુજબ રિઝલ્ટ ન પણ આવે તો પણ શક્ય છે કે તમારું જીવન બીજી કોઇ દિશામાં ઉત્કૃષ્ટ પરિણામોની ગિફટ આપે. તેથી જીવનની આવી ઘટનાઓ માટે નિષેધાત્મક કે આત્મહત્યા જેવા  વિચારો કયારે પણ ન કરશો. જીવનમાં હંમેશાં બીજી તક દરેક વ્યક્તિને મળતી હોય છે. - આપણે બધા એક પ્રકૃતિ કે ઇશ્વરના સંતાનો છીએ. ભગવાન હંમેશાં પોતાની કરુણાશક્તિ દરેક પર વરસાવતો જ હોય અને ઇશ્વરના આશીર્વાદ પર પૂર્ણ શ્રદ્ધા રાખજો. તેથી જ તો ગીતામાં ગવાયું છે કે : `કૃષ્ણ સદા સહયતે.

Panchang

dd