ભુજ, તા. 25 : નોલેજ કોંસોર્શિયમ ઓફ ગુજરાત
દ્વારા પ્રાયોજિત, ઉચ્ચ શિક્ષણમાં
સંશોધન અને સુવિધાઓને પ્રોત્સાહનના હેતુથી રસાયણશાસ્ત્ર ભવન, કચ્છ યુનિવર્સિટી દ્વારા એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. કુલસચિવ
ડો. અનિલ ગોરે આરંભમાં આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનના સમન્વયનું ભાથું મેળવી તેનો સદુપયોગ
કરવા અનુરોધ કર્યો હતો. સેમિનારમાં ગૌ વિશ્વવિદ્યાપીઠમ્, ગાંધીનગરના
ડો. હિતેશ જાનીએ કહ્યું કે, આપણા દેશ પાસે જ્ઞાન છે, જે બીજા દેશોને મદદ કરે છે. આયુર્વેદ પણ એવું જ વિશિષ્ટ જ્ઞાન છે, જે આજના સમયની માંગ છે. મેડિકલ ક્ષેત્રનાં સંશોધન દ્વારા મૃત્યુ માટે જે મુખ્ય
રોગ જણાયા છે, તેમને પડકારરૂપે આયુર્વેદ મદદે આવી શકે તેમ છે. બીજા વક્તા આયુર્વેદ નિષ્ણાત પાંચાભાઇ દમણિયાએ આયુર્વેદ
અને રસાયણશાસ્ત્ર એકબીજાના ઓતપ્રોત છે તેમ જણાવતાં ઉમેર્યું કે, કોઇ પણ દવા વિધિમંત્રથી લેવાથી ઘણો ફાયદો થાય છે. સ્વસ્થ રહેવા આયુર્વેદને
સમજવા પર ભાર આપ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્માસ્યુટિકલ સાયન્સ ભવનના ડો.
રિદ્ધિ શુક્લએ આયુર્વેદ ઔષધોને પ્રમાણિત કરવાની પદ્ધતિઓ અંગે માહિતિ આપી હતી. જામનગર
સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ ટાચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઈટીઆરએ)ના ફાર્મેકોલોજીના
વડા ડો. મુકેશ નારિયાએ ઔષધના વિવિધ પરિક્ષણો દ્વારા તેમની બનાવટ સાચી છે તે જાણી શકાય
તે અંગે સમજણ આપી હતી. સેમિનારના સંયોજક રસાયણશાસ્ત્ર
ભવનના ડો. ગિરીન બક્ષીની રાહબરી હેઠળ સેમિનારમાં વિજ્ઞાન વિભાગના ડીન ડો. જ્યોતિન્દ્ર
ભટ્ટ, ભવનના અધ્યાપકો, વિવિધ ભવનના અધ્યાપકો,
સંશોધન કરતા વિદ્યાર્થીઓ, સામાજિક અગ્રણી નવીન
વ્યાસ, ભુજના આયુર્વેદ વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.