• બુધવાર, 30 એપ્રિલ, 2025

ગાંધીધામમાં ગેસ્ટહાઉસમાંથી 29 લાખનું કોકેઈન જપ્ત

ગાંધીધામ, તા. 27 : શહેરનાં બસ સ્ટેન્ડ પાસે આવેલાં મુકેશ ગેસ્ટ હાઉસમાં છેલ્લા ચાર દિવસથી રોકાયેલા પંજાબના બે શખ્સને પોલીસે પકડી પાડી તેમની પાસેથી રૂા. 29,08,000નો 29.08 ગ્રામ કોકેઈનનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. બીજીબાજુ રાપરના માનગઢ નજીક પોષડેડાના જથ્થા સાથે હોટેલના સંચાલકની અટક કરાઈ હતી. શહેરનાં બસ સ્ટેન્ડ નજીક આવેલાં મુકેશ ગેસ્ટ હાઉસના રૂમ નં. 126માં આવેલા બે પંજાબી શખ્સ પાસે માદક પદાર્થ હોવાની અને તે ગ્રાહકોની શોધમાં હોવાની પૂર્વ બાતમી સ્થાનિક પોલીસ ગાંધીધામ બી-ડિવિઝનને મળી હતી. જેના આધારે પોલીસ તૈયારી કરી આ ગેસ્ટહાઉસમાં પહોંચી હતી. રૂમ નં. 126 ખખડાવતાં તેમાંથી પંજાબના તરનતારનના જશવિન્દરસિંઘ જોગીન્દરસિંઘ તથા સતનામસિંઘ મેજરસિંઘ નામના શખ્સો મળી આવ્યા હતા. આ રૂમમાં બંનેને સાથે રાખીને તેમની પાસેના થેલા (બેગ)ની તપાસ કરાતાં એક બેગમાંથી  પારદર્શક ગોળ ડબ્બો મળી આવ્યો હતો. અંગ્રેજીમાં લકી માઈક્રોવેવ કેક લખેલા આ ડબ્બામાંથી નાના-નાના ગાંગડા તથા કણી સ્વરૂપમાં ક્રીમ રંગનો પદાર્થ મળી આવ્યો હતો. જેને પંજાબમાં આ શખ્સો ચિટ્ટા કહેતા હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પ્રાથમિક પૃથ્થકરણ કરાવી ખરાઈ કરાતાં આ માદક પદાર્થ મોંઘા પ્રકારનો એવો કેકોઈન હોવાનું ફલિત થયું હતું. આ શખ્સો પાસેથી રૂા. 29,08,000નો આ 29.08 ગ્રામ કોકેઈનનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો. આ બંને શખ્સ ગત તા. 22/4ના રાત્રે આ ગેસ્ટહાઉસમાં ઊતર્યા હતા. છેલ્લા ચારેક દિવસની ગાંધીધામમાં આ મોંઘા પ્રકારના માદક પદાર્થના ગ્રાહકોની શોધમાં હતા. તેમને ગ્રાહક મળે તે પહેલાં પોલીસને બાતમી મળી ગઈ હતી અને બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. આ શખ્સો આટલો જ જથ્થો લાવ્યા હતા કે વધુ ? ચાર દિવસમાં કોઈને માલ આપી દીધો છે કે નહીં? તેમની આ પહેલી ખેપ છે, તે અગાઉ માલ વેચી ગયા છે ? તેમની ટોળકીમાં અન્ય કોણ-કોણ છે તથા કોકેઈનનો આ જથ્થો પંજાબમાં ક્યાંથી અને કોની પાસેથી મેળવ્યો હતો તે સહિતની વિગતો માટે બંનેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે તેવું પોલીસે જણાવ્યું હતું. આ કાર્યવાહીમાં બી ડિવિઝનના પી.આઈ. એસ.વી. ગોજિયા અને તેમની ટીમ જોડાઈ હતી. બીજીબાજુ રાપરના માનગઢ પાટિયા પાસે આવેલી સમરાથલ રામદેવ હોટેલમાં પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે છાપો માર્યો હતો. અહીંથી હોટેલના સંચાલક સુરેશકુમાર ભાગીરથરામ ખીલેરી (બિશ્નોઈ)ને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સની બેગમાંથી રૂા. 522નો પોષડેડાનો 174.04 ગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આઠ-10 દિવસ અગાઉ રાજસ્થાનથી પરત અહીં આવતી વખત તે આ જથ્થો સિયાનિયા, બાડમેરના રમેશ દેવાસી પાસેથી લઈ આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ રમેશને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd