ગાંધીધામ, તા. 12 : રાપર તાલુકાના છેવાડાના બેલા
ગામમાં મોબાઇલ ગેમની આઇ.ડી. મુદ્દે કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરે પોતાના મિત્ર
એવા કિશોરની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. ચકચાર જગાવનારા આ બનાવમાં પોલીસે ત્રણેય
આરોપીને પકડી પાડયા હતા. બેલા ગામમાં રહેનાર પ્રવીણ તથા તેના મિત્રો વારંવાર સાથે બેસી
મોબાઇલમાં ફ્રી ફાયર નામની ગેમ રમતા હતા, જેથી આ ભોગ બનનાર તથા તેના મિત્રો એવા આરોપીઓ વચ્ચે આઇ.ડી. મુદ્દે બોલાચાલી
થઇ હતી. મૃત્યુ પામનારા કિશોરે આઇ.ડી. આપવાની ના પાડતાં આરોપીઓએ તેનું મનદુ:ખ રાખ્યું
હતું. ત્રણેયએ પોતાના આ મિત્રને ગેમ રમવા બગીચાની દીવાલ પાસે બોલાવ્યો હતો,
જ્યાં એકે તેને પકડી રાખ્યો હતો અને અન્ય બેએ તેના ગળાં અને પેટમાં છરીના
ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી નાસી ગયા હતા. સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવનારા આ પ્રકરણમાં
પોલીસે ફરિયાદ નોંધી ત્રણેય કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને પકડી પાડયા હતા અને તેમના
લોહીવાળા કપડાં, છરી વગેરે કબજે લેવા કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું
પી.એસ.આઇ. એસ.વી. ચૌધરીએ જણાવ્યું હતું.